Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય મંત્રીઓ હાજર રહી જન કલ્યાણ વિશે કરશે ચર્ચા
મોદી સરકારના ત્રીજા કાર્યકાળને વર્ષ પૂર્ણ થતાં આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પોતાના ત્રીજા કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની એક મહત્ત્વની બેઠક યોજાવા જઇ રહી છે. જે બેઠક સુષ્મા સ્વરાજ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાશે.
વડાપ્રધાન પોતાના ત્રીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ તમામ કેન્દ્રીય મંત્રીઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી વિવિધ મુદ્દા પર ચર્ચા કરશે. સુત્રો અનુસાર, આ બેઠકમાં કેન્દ્ર સરકાર છેલ્લા ૧૧ વર્ષની ઉપલબ્ધિઓ, યોજનાઓ અને જન કલ્યાણના કાર્યક્રમોની સમીક્ષા કરશે. તેની સાથે આગામી દિવસોમાં જનતા વચ્ચે જઈ સરકારની નીતિઓ અને કાર્યોને અસરકારક રીતે રજૂ કરવાની યોજના પર પણ વિચારણા કરશે.
અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે
બેઠકમાં ઓપરેશન સિંદૂર મુદ્દે પણ વિશેષ ચર્ચાઓ થવાની સંભાવના છે. વડાપ્રધાન મોદી (MODI) સેનાના આ અભિયાનને સરકારની નિર્ણાયક નેતૃત્વ ક્ષમતા અને રાષ્ટ્રીય સુરક્ષામાં સશક્ત યોગદાન રૂપે પ્રજા સમક્ષ રજૂ કરવા પર ભાર મૂકશે. તમામ મંત્રીઓને નિર્દેશ આપી શકે છે કે, તે ઓપરેશન સિંદૂરની સફળતા અને તેના પ્રયાસોને સામાન્ય જનતા સુધી પહોંચાડે. જેથી દેશભરમાં તેના પ્રત્યે જાગૃત્તિ આવે અને ગર્વની લાગણીમાં વધારો થાય.
બેઠકમાં છેલ્લા ૧૧ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવેલી પ્રમુખ યોજનાઓ જેમ કે, ઉજ્જવલા, આયુષ્માન ભારત, પીએમ આવાસ યોજના, જલ જીવન મિશન, ડિજિટલ ઈન્ડિયા, આર્ત્મનિભર ભારત, સ્વચ્છ ભારત અભિયાન વગેરેનો વિસ્તૃત રિપોર્ટ, જનસમર્થન, અને લાભાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમોને વેગ આપવા પર ભાર મૂકવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકાર હવે જનભાગીદારીથી જનસંપર્કની રણનીતિ હેઠળ એક વિશેષ સંપર્ક અભિયાન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં કેન્દ્રીય મંત્રી, સાંસદ અને ભાજપના કાર્યકારો ઘરે-ઘરે જઈ લોકોને કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપશે.
નિષ્ણાતો અનુસાર, આ બેઠક માત્ર સરકારી પ્રદર્શનના મૂલ્યાંકન માટે જ નહીં, પરંતુ આગામી ચૂંટણીની તૈયારીઓના દ્રષ્ટિકોણથી પણ અત્યંત મહત્ત્વની છે. ૨૦૨૫ના અંતમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં આ બેઠક સરકારની જનસંપર્ક નીતિ અને રાજકીય સંદેશ નિર્ધારિત કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે.