Last Updated on by Sampurna Samachar
ડિજિટલ વોટર કાર્ડને લઈને મતદાન મથકો પર ભારે વિવાદ
મોબાઈલમાં દર્શાવેલા ડિજિટલ કાર્ડને અમાન્ય રાખતા અનેક મતદારોએ રોષ સાથે ઘરે પરત ફરવું પડ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે કાળઝાળ ગરમી વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેરીજનો ઉત્સાહપૂર્વક મતદાન મથકો પર પહોંચ્યા હતા, પરંતુ કેટલાક કેન્દ્રો પર ચૂંટણી કાર્ડની સોફ્ટ કોપીને લઈને વિવાદ સર્જાયો હતો. પોલીસ અને ચૂંટણી અધિકારીઓએ મોબાઈલમાં દર્શાવેલા ડિજિટલ કાર્ડને અમાન્ય રાખતા અનેક મતદારોએ રોષ સાથે ઘરે પરત ફરવું પડ્યું હતું.

શહેરના અનેક મતદાન મથકો પર એવા કિસ્સાઓ બન્યા જેમાં મતદારો પાસે ઓરિજિનલ મતદાન કાર્ડ કે ચૂંટણી પંચ માન્ય અન્ય દસ્તાવેજો નહોતા, પરંતુ મોબાઈલમાં ડાઉનલોડ કરેલું ઈ-ચૂંટણી કાર્ડ હતું.જ્યારે મતદારોએ આ ડિજિટલ કાર્ડ બતાવ્યું, ત્યારે ફરજ પરના પોલીસ કર્મચારીઓએ નિયમ મુજબ હાર્ડ કોપી ફરજિયાત હોવાનું જણાવી પ્રવેશ નકાર્યો હતો. કામ-ધંધો છોડીને આવેલા મધ્યમ વર્ગના મતદારોએ સવાલ ઉઠાવ્યો હતો કે, “જો દેશ ડિજિટલ બની રહ્યો છે, તો સરકાર દ્વારા જ ઈશ્યુ કરાયેલા ડિજિટલ ડોક્યુમેન્ટ્સ કેમ સ્વીકારાતા નથી?”
સ્કેન કે વેરીફાય કરવાની તત્કાલ સુવિધા હોતી નથી
ચૂંટણી પંચના નિયમો મુજબ, મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ હોય છે. મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ફોટો ઓળખપત્ર હોવું અનિવાર્ય છે. ડિજિટલ કોપીને માન્ય ન ગણવા પાછળના કેટલાક કારણો હોઈ શકે છે. જેમ કે મતદાન મથકની અંદર ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પર પ્રતિબંધ હોવાથી મોબાઈલ લાવી શકાતો નથી. ચૂંટણી એજન્ટો અને પ્રિસાઈડિંગ ઓફિસર પાસે ડિજિટલ કોપીને સ્કેન કે વેરીફાય કરવાની તત્કાલ સુવિધા હોતી નથી. ચૂંટણી પંચે જે ૧૨ વૈકલ્પિક દસ્તાવેજો જાહેર કર્યા છે, તેમાં હાર્ડ કોપીનો જ ઉલ્લેખ છે.
એક તરફ સરકાર પેપરલેસ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે લોકશાહીના સૌથી મોટા પર્વમાં જ ડિજિટલ કાર્ડ અમાન્ય રહેતા કેટલાક મતદારોએ આ મુદ્દે તંત્રની વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા હતા.