Last Updated on by Sampurna Samachar
ચકચારી ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યારાઓ થયા ફરાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા સરહદી વિસ્તારના વાવ-થરાદ નજીક આવેલા લાખણી તાલુકાના કુવાણા ગામે ધોળા દિવસે કરપીણ હત્યાની ઘટના સામે આવી હતી. કુવાણા ગામમાં અજાણ્યા શખ્સોએ એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ધોળા દિવસે જાહેર રોડ પર બનેલી આ લોહીયાળ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ચોંકાવનારી હત્યાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં હત્યા કરનાર આરોપીઓ અને જેની હત્યા થઈ છે તે મૃતક યુવક કુવાણા ગામના સ્થાનિક રહીશ નથી પરંતુ બહારના વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. કોઈ અગમ્ય કારણોસર કે જૂની અદાવતમાં બોલાચાલી થઈ હતી, જે બાદ હત્યારાઓએ ઉશ્કેરાઈને તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં યુવક ઢળી પડ્યા બાદ હત્યારો ત્યાંથી નાસી છૂટ્યા હતા.
તમામ મુખ્ય રસ્તાઓ પર ચુસ્ત નાકાબંધી કરાઇ
ધોળા દિવસે બનેલી આ હત્યાની ઘટનાની જાણ થતાં જ વાવ-થરાદ ડિવિઝનની પોલીસ અને લાખણી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યારો ગુનો આચરીને સરહદી વિસ્તારમાંથી ભાગી ન જાય તે માટે પોલીસે તાકીદે એક્શન મોડમાં આવીને વાવ, થરાદ અને લાખણીના તમામ મુખ્ય રસ્તાઓ પર ચુસ્ત નાકાબંધી કરી દીધી છે. ત્યારે પોલીસે CCTV ફૂટેજના આધારે હત્યારાની ઓળખ મેળવી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.