Last Updated on by Sampurna Samachar
૬ બોટલ ગ્રાહકોને વેચી હોવાનુ મહિલાએ કહ્યું
મહિલા આરોપી સામે નારકોટિક્સનો ગુનો દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આજવા રોડ દત્તનગરમાં નશાકારક કોડિન કફ સિરપનું વેચાણ કરતી મહિલાને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડી સિરપની ૯૪ બોટલ કબજે કરી છે. ઉલ્લેખનીય છે કે, તમામ બોટલો પરથી બેચ નંબર કાઢી નાખવામાં આવ્યા હતા. જેથી, સપ્લાયર સુધી પોલીસ પહોંચી ના શકે.

એસ.ઓ.જી.ના સ્ટાફને માહિતી મળી હતી કે, આજવા રોડ દત્તનગરમાં રહેતી અમરતકૌર સતનામસિંગ સિકલીગર તેના મકાનમાં કોડીન કફ સિરપની બોટલો સંતાડીને વેચાણ કરે છે. જેથી,એ.એસ.આઇ. આસિફ ઇકબાલભાઇ તથા અન્ય સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા મહિલા મળી આવી હતી. તેના મકાનમાં પોલીસે તપાસ કરતા સોફાની બાજુમાં દીવાલ પાસેથી એક થેલો મળી આવ્યો હતો.
મેડિકલ સ્ટોર પરથી ૧૦૦ બોટલ લાવી હતી મહિલા
તેમાંથી ૧૦૦ એમ.એલ.ની શિડયુલ એચ – ૧ વાળી કોડિન કફ સિરપની ૯૪ બોટલ મળી આવી હતી. જે અંગે ખાત્રી કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીને સ્થળ પર બોલાવી ખાત્રી પણ કરવામાં આવી હતી. આ સ્થળે કોઇ પ્રકારનો પરવાનો ઇશ્યૂ કરવામાં આવ્યો નથી.
મહિલાએ તમામ બોટલો પર લખેલા બેચ નંબરની વિગતો ઘસીને કાઢી નખાઇ હતી. પોલીસે પૂછપરછ કરતા અમરતકૌરે જણાવ્યું હતું કે, આ બોટલોનો જથ્થો આજવા રોડ પરના એક મેડિકલ સ્ટોરમાંથી કોઇપણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર લાવી છું. ૧૦૦ બોટલ લાવી હતી. તેમાંથી ૬ બોટલ ગ્રાહકોને વેચી દીધી છે.