Last Updated on by Sampurna Samachar
માન્ચેસ્ટર ટેસ્ટમાં રિષભ પંતને થઇ ઇજા
ડૉક્ટરે ઓછામાં ઓછા ૬ અઠવાડિયા આરામ કરવા કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના માથે મુશ્કેલી આવી છે. વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને જમણા પગના અંગૂઠામાં ફ્રેક્ચર હોવાની પુષ્ટિ થઈ છે. ડોક્ટરોએ તેને ઓછામાં ઓછા ૬ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે. પંતની વાપસી અંગે હજુ પણ સસ્પેન્સ છે. માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે ઇજાગ્રસ્ત થયા બાદ તેને મેદાન છોડવું પડ્યું હતું.

ભારતની ઇનિંગ્સની ૬૮ મી ઓવરમાં જ્યારે પંત ૩૭ રન પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે ઇંગ્લેન્ડના બોલર ક્રિસ વોક્સ સામે રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના જૂતા પર વાગ્યો. બોલ તેના બેટની અંદરની ધારને વાગીને પગના અંગૂઠામાં વાગ્યો.
ઇશાન કિશનને ટીમમાં સામેલ કરવાનો ર્નિણય
આ પછી, પંત જમીન પર સૂઈ ગયો અને પીડાથી કણસવા લાગ્યો. તેનો પગ પર સોજો આવી ગયો હતો અને લોહી વહેતું હતું. તે ચાલી શકતો નહોતો અને ફિઝિયોની મદદથી તેને મેડિકલ ટીમની કારમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.
BCCI ના સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્કેનમાં ફ્રેક્ચર જોવા મળ્યું છે. તે ૬ અઠવાડિયા સુધી રમી શકશે નહીં. હાલમાં તે ચાલી પણ શકતો નથી, તેથી તેના ફરીથી રમવાની શક્યતા ખૂબ ઓછી છે. આ દરમિયાન, પસંદગી સમિતિએ ઇશાન કિશનને અંતિમ ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવાનો ર્નિણય લીધો છે. કારણ કે પંત હવે તે મેચમાં રમી શકશે નહીં. ભારત પહેલેથી જ ઇજાની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પહેલાથી જ બહાર છે અને ઝડપી બોલર આકાશ દીપ અને અર્શદીપ સિંહ પણ ઈજાના કારણે ચોથી ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી.