Last Updated on by Sampurna Samachar
એરફોર્સનો અધિકારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ
ખાડિયામાં કરોડોની લૂંટ અને ફાયરિંગનો ભેદ ઉકેલાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં અગાઉ થયેલી સનસનાટીભરી ફાયરિંગ અને કરોડો રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને બહુ મોટી સફળતા મળી છે. આ હાઈપ્રોફાઈલ ગુનામાં ઝોન-૩ એલસીબી પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તેનું કનેક્શન જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. દેશની રક્ષા કરનારો એરફોર્સનો એક સત્તાવાર અધિકારી જ આ લૂંટ અને ફાયરિંગનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો છે. પોલીસે આરોપી દીપક ભૂકેરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

ઘટનાની વિગત મુજબ, ૧૬ જુલાઈ ૨૦૨૪ના રોજ ખાડિયાની પ્રખ્યાત ફતાશાની પોળમાં આવેલી ‘હિમ્મતમલ શંકરલાલાજી સોની‘ની દુકાનને નિશાન બનાવવામાં આવી હતી. આરોપી દીપક ભૂકેરે ધોળા દિવસે સોનીની દુકાનમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો અને વેપારીને પગમાં ગોળી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તે દુકાનમાંથી રૂપિયા ૧.૫૧ કરોડની મત્તા લૂંટીને ફરાર થઈ ગયો હતો.
આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
દીપકની ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં અન્ય એક મોટા ગુનાનો પણ પર્દાફાશ થયો છે. જામનગરમાં વર્ષ ૨૦૨૪માં એરફોર્સના એક નિવૃત્ત અધિકારીના બંધ મકાનને નિશાન બનાવીને પિસ્તોલ અને રોકડ સહિત કુલ ૧૫ લાખ રૂપિયાની મોટી ચોરી કરવામાં આવી હતી, આ ચોરી પણ દીપક ભૂકેરે જ કરી હોવાની કબૂલાત કરી છે.
એક જવાબદાર સરકારી પદ પર હોવા છતાં દીપક ગુનાખોરીના રસ્તે કેમ ચડ્યો તેનો ખુલાસો પણ થયો છે. આરોપી દીપકને ક્રિકેટ કે અન્ય સટ્ટાબાજીની લત લાગી હતી, જેમાં તે રૂપિયા ૨૫ લાખનું મોટું દેવું કરી બેઠો હતો. આ વ્યાજખોરો અને સટ્ટાનું દેવું ભરપાઈ કરવા માટે જ તેણે જામનગરમાંથી પહેલા પિસ્તોલ ચોરી કરી અને ત્યારબાદ તે જ હથિયાર વડે અમદાવાદના ખાડિયામાં આ ભયાનક લૂંટને અંજામ આપ્યો હતો. હાલ એલસીબી પોલીસે તેની પાસેથી વધુ વિગતો કઢાવવા રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.