Last Updated on by Sampurna Samachar
ફુગાવામાં સૌથી મોટો ઉછાળો ઇંધણ અને વીજળી ક્ષેત્રમાં
નવા આધાર વર્ષ ૨૦૨૨-૨૩ ના આધારે આ આંકડા જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં મોંઘવારી સામાન્ય જનતા અને અર્થતંત્રનો પીછો છોડવાનું નામ નથી લઈ રહી. મે ૨૦૨૬ માં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને ૯.૬૮% ની ચિંતાજનક સપાટીએ પહોંચી ગયો છે, જે એપ્રિલ મહિનામાં ૮.૨૬% હતો.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, મોંઘવારી વધવાનું સૌથી મોટું કારણ ઇંધણ અને વીજળીના ભાવમાં થયેલો તોતિંગ વધારો છે. આ વખતે મંત્રાલયે એક મહત્વનો બદલાવ કરતા, જૂના આધાર વર્ષ ૨૦૧૧-૧૨ ને બદલીને નવા આધાર વર્ષ ૨૦૨૨-૨૩ ના આધારે આ આંકડા જાહેર કર્યા છે.
ડેરી પ્રોડક્ટ્સ મોંઘી થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ
આ વખતે જથ્થાબંધ ફુગાવામાં સૌથી મોટો ઉછાળો ઇંધણ અને વીજળી ક્ષેત્રમાં જાેવા મળ્યો છે. એપ્રિલમાં આ ક્ષેત્રનો ફુગાવો ૨૪.૮૯% હતો, જે મે મહિનામાં વધીને ૩૦.૩૩% થઈ ગયો છે. તેમાં પણ ખનિજ તેલના ભાવમાં ૪૯.૮૨% અને ક્રૂડ ઓઇલ તેમજ કુદરતી ગેસના ફુગાવામાં ૬૧.૫૧% નો મોટો વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક તેલ બજારમાં જે ઉથલપાથલ મચી છે, આ તેની જ સીધી અસર છે.
ખેતી અને ખાણકામ સાથે જોડાયેલી પ્રાથમિક ચીજવસ્તુઓનો ફુગાવો પણ મે મહિનામાં વધીને ૪.૯૯% થયો છે, જે એપ્રિલમાં ૩.૭૮% હતો. આ ઉપરાંત બિન-ખાદ્ય ચીજવસ્તુઓમાં ૯.૪૯% નો વધારો જાેવા મળ્યો છે. ફેક્ટરીઓમાં બનતી ચીજવસ્તુઓનો ફુગાવો પણ એપ્રિલના ૬.૬૮% થી વધીને મે મહિનામાં ૭.૪૮% એ પહોંચ્યો છે. ખાસ કરીને કેમિકલ્સ, બેઝિક મેટલ્સ (ધાતુઓ) અને કાપડના ભાવમાં મોટો વધારો થયો છે.
મે ૨૦૨૬ માં ફૂડ ઇન્ડેક્સ મુજબ ખાવા-પીવાની ચીજોનો ફુગાવો ૩.૧૧ % થી વધીને ૪.૪૯ % થયો છે. ખાદ્ય તેલ, ઇંડા, માંસ, માછલી અને અન્ય ડેરી પ્રોડક્ટ્સ મોંઘી થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જોકે, સામાન્ય માણસ માટે રાહતના સમાચાર એ છે કે કઠોળ, બટાકા અને ડુંગળીના ભાવ ગયા વર્ષની સરખામણીએ હજુ પણ નીચા સ્તરે છે.
સરકારે જથ્થાબંધ ફુગાવાની ગણતરીને વધુ સચોટ બનાવવા માટે મોટો ફેરફાર કર્યો છે. હવે આધાર વર્ષ ૨૦૧૧-૧૨ ના બદલે ૨૦૨૨-૨૩ કરવામાં આવ્યું છે અને લિસ્ટમાં વસ્તુઓની સંખ્યા પણ ૬૯૭ થી વધારીને ૯૫૭ કરી દેવાઈ છે. આ સાથે જ સરકારે આજે આઉટપુટ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ અને સર્વિસ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ પણ જાહેર કર્યા છે, જેમાં બેંકિંગ, વીમા, ટેલિકોમ, રેલ્વે અને હવાઈ મુસાફરી જેવી સેવાઓનો સમાવેશ થાય છે. હવે પછીનો એટલે કે જૂન ૨૦૨૬ નો ફુગાવાનો રિપોર્ટ ૧૪ જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે.