Last Updated on by Sampurna Samachar
પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
સામાન્ય બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના કરજણ તાલુકાના ભરથાણા ગામે લગ્ન પ્રસંગમાં હિંસક અથડામણની ઘટના સામે આવી હતી. ગામમાં પરંપરાગત રીતે નીકળેલા એક વરઘોડા દરમિયાન બે જૂથો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.

ભરથાણા ગામે જ્યારે લગ્નનો વરઘોડો ગાજતે-વાજતે નીકળ્યો હતો, ત્યારે અન્ય એક જૂથ સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને બંને જૂથના લોકો લાકડીઓ અને અન્ય સાધનો સાથે સામસામે આવી ગયા હતા. આ અથડામણને કારણે વરઘોડામાં સામેલ મહેમાનો અને ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી.
કરજણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ભરથાણા ગામે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી બંને જૂથોને વિખેર્યા હતા. ગામમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કરજણ પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા બંને પક્ષના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી અથડામણનું ચોક્કસ કારણ જાણી શકાય. હાલમાં ગામમાં શાંતિનો માહોલ છે, પરંતુ અજંપાભરી સ્થિતિને જાેતા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.