Last Updated on by Sampurna Samachar
તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરતા એક યુવકનું કરૂણ મોત
ગંભીર ઈજાઓ પહોંચાડી હુમલાખોરો ફરાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ જિલ્લાના વંથલીમાં મોડી રાત્રે પ્રેમ પ્રકરણની અદાવતમાં હિંસક ખેલ ખેલાયો હતો. તીક્ષ્ણ હથિયારો સાથે ચાર શખસોએ બે યુવકો પર હુમલો કરતા એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વંથલીના ઝાંપા વિસ્તારમાં ૨૫ વર્ષીય તાજીમ અને તેનો મિત્ર શકીલ જેઠવા હાજર હતા, ત્યારે અચાનક ચાર શખસો તીક્ષ્ણ હથિયારો સાથે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ તાજીમ પર તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત તાજીમની સાથે રહેલા શકીલ જેઠવાને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત શકીલને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેની સરાવરા ચાલી રહી છે.
પરિવારજનોએ અદાવત રાખીને તાજીમ પર આ હુમલો કર્યો
ઘટનાની જાણ થતા જ વંથલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે. યુવતીના પરિવારજનોએ અદાવત રાખીને તાજીમ પર આ હુમલો કર્યો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે ચાર શખસો સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.