Last Updated on by Sampurna Samachar
આટલી મોટી રકમનો મેમો જોઇ સૌ કોઇ ચોંકી ગયા
શું ટ્રાફિક પોલીસ આ રીતે ભૂલ કરી શકે ?
(સંપૂર્ણ સમાચાર સેવા)
હેલ્મેટ વિના વાહન ચલાવવું એ કાયદાનું ઉલ્લંઘન છે અને તેના માટે દંડની જોગવાઈ છે. પરંતુ, અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા એક યુવકને હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ ૧૦ લાખ રૂપિયાનો મેમો (MEMO) ફટકારવામાં આવ્યો છે, જેણે સૌને ચોંકાવી દીધા છે.
બનાવ એવો છે કે વસ્ત્રાલના એક યુવકને સરખેજ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્રાફિક પોલીસે મેમોનો મેસેજ આપ્યો હતો. જ્યારે યુવકે મેમોનો મેસેજ જોયો તો તેના હોશ ઉડી ગયા, કારણ કે તેમાં દંડની રકમ ૧૦ લાખ ૫૦૦ રૂપિયા લખેલી હતી. આટલી મોટી રકમનો મેમો જોઈને યુવક અને તેના પરિવારજનોની ઊંઘ હરામ થઈ ગઈ.
યુવક કમિશ્ર્નર કચેરીએ રજુઆત કરવા પહોંચ્યો
યુવકને આટલી મોટી રકમનો મેમો આવવા બદલ કોર્ટમાં જવું પડી શકે છે. જોકે, આટલી મોટી રકમ ભરવી યુવક કે કોઈ પણ મધ્યમ વર્ગના નાગરિક માટે અશક્ય છે, તેથી તેણે પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરી અને પોતાની પરિસ્થિતિ જણાવી હતી. યુવકે વિનંતી કરી કે આ મેમોમાં કોઈ ભૂલ હોવી જોઈએ અને તેની તપાસ થવી જોઈએ.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા ૨૨ વર્ષના હડિયા અનિલને સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ ૧૦ લાખ ૫૦ હજારનો મેમો આવતા પરિવારના હાજા ગગડ્યા છે. વકીલાતનો અભ્યાસ કરતો યુવક ગત વર્ષે જુલાઇમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલા આપવા એકટિવા પર હેલ્મેટ વિના જઈ રહ્યો હતો, ત્યારે ફરજ પરના ટ્રાફિક જવાનએ તેને રોકી લાયસન્સ માંગીને કાર્યવાહી કરેલ તેના પંદરેક મિનિટના ગાળામાં મોબાઈલ પર નિયમભંગનો મેસેજ આવેલ.
જોકે ઓઢવ પોલિસ દ્વારા ગત માસે પોલિસ ચોકીમાથી બોલાવીને કોર્ટમાં જવાનું કહેતા યુવક જ્યારે મેટ્રો કોર્ટમાં જતા તેઓને મેટ્રો કોર્ટની વેબસાઈટ જોતા આ નિયમભંગને લઈ ને ૧૦ લાખ ૫૦ હજારનો મેમો જોઈ પરિવાર ચિંતામાં મુકાયો. ગત જુલાઈથી કોર્ટ કચેરીના અનેક વાર ધક્કા ખાધા બાદ યુવક તેના પિતા સાથે આજે શાહીબાગ કમિશ્ર્નર કચેરીએ રજુઆત કરવા આવ્યા છે.
સામાન્ય રીતે હેલ્મેટ ન પહેરવા બદલનો દંડ ૫૦૦ થી ૧૦૦૦ હોય છે, પરંતુ આ કેસમાં ૧૦ લાખથી વધુ રકમનો મેમો આવતા અનેક સવાલો ઉભા થયા છે. શું ટ્રાફિક પોલીસ દ્વારા મેમો બનાવવામાં કોઈ ભૂલ થઈ છે ? કે પછી આ કોઈ અન્ય પ્રકારનો કેસ હોય શકે છે ? હાલમાં આ અંગે પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ ઘટનાએ અમદાવાદમાં ભારે ચર્ચા જગાવી છે. લોકો આશ્ચર્યમાં છે કે હેલ્મેટ ન પહેરવા બદલ આટલો મોટો દંડ કેવી રીતે હોઈ શકે. યુવક અને તેના પરિવારજનો હાલમાં પોલીસના જવાબની રાહ જોઈ રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે તેમને ન્યાય મળશે.
આ ઘટના એ પણ દર્શાવે છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું કેટલું મહત્વનું છે, પરંતુ જ્યારે આવી અસામાન્ય ઘટના બને છે ત્યારે તંત્રની કાર્યપદ્ધતિ પર પણ સવાલ ઉઠે છે. હવે જોવાનું એ છે કે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે અને યુવકને ક્યારે ન્યાય મળે છે.