Last Updated on by Sampurna Samachar
અમરેલીના ધારી પંથકનો મામલો
ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી જિલ્લાના ધારી પંથકમાં અસામાજિક તત્ત્વો અને લુખ્ખાગીરીનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. ધારીના વેકરીયાપરા વિસ્તારમાં બે નિર્દોષ ખેડૂતો પર અસામાજિક તત્ત્વોએ બેફામ હુમલો કરી ગંભીર માર માર્યો હતો. જ્યાં ઇજાગ્રસ્ત થયેલા બંને ખેડૂતોને સારવાર હેઠળ ખસેડાયા હતા. ઘટનાને પગલે સમગ્ર પંથકના ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

ચોંકાવનારી વાત એ છે કે, ભાજપ સરકાર હોવા છતાં ભાજપના જ વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યોને પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે મેદાને આવવું પડ્યું છે. ખેડૂતો પર થયેલા હુમલાના વિરોધમાં અને ધારીમાં કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ખેડૂતો પર હુમલો કરનારા તત્ત્વો સામે કડક પગલાંની માંગ
ખેડૂતો, વેપારી મંડળ અને રાજકીય નેતાઓએ સાથે મળીને તંત્રને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આ રેલીમાં સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓએ જ પોતાની જ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કે, ધારી પંથકમાં પોલીસની મીઠી નજર તળે ખુલ્લેઆમ દારૂનું દૂષણ અને અડ્ડાઓ ચાલી રહ્યા છે, જેના કારણે અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે.
આ જનઆક્રોશમાં હાલમાં જામીન પર છૂટેલા ધારીના વર્તમાન ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડિયા, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા તેમજ પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા સહિતના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા. તેમણે પોલીસ તંત્રને ચીમકી આપી હતી કે ધારી પંથકમાંથી દારૂના દૂષણના અડ્ડા તાત્કાલિક બંધ કરાવાય, નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે.
રાજકીય વિશ્લેષકોના મતે આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો લાવી દીધો છે. રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં, પોતાના જ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોની ગુંડાગર્દી રોકવા માટે ભાજપના જ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોએ જનમેદની સાથે મળીને વહીવટી તંત્રને આવેદનપત્ર આપવું પડે, તે પોલીસ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે. હાલમાં ખેડૂતો પર હુમલો કરનારા તત્ત્વો સામે કડક પગલાં ભરવાની માંગણી સાથે ધારીમાં ભારે તંગદિલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.