Last Updated on by Sampurna Samachar
૧૫ દિવસમાં ૮ વીઘા જમીનમાં ૮ ફૂટ જેટલા ઊંડા ખાડા પાડી દીધા
કોઠ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકામાંથી ખનન માફિયાઓની ગુંડાગર્દીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માહિતી મુજબ ધોળકાના ભુંભલી ગામમાં એક ખેડૂતની કિંમતી જમીનમાંથી તેમની જાણ બહાર ૫૦,૦૦૦ ઘનમીટર માટીની ચોરી થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. માફિયાઓએ માત્ર ૧૫ જ દિવસમાં ખેડૂતની આખી જમીન ખોદી નાખી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સરખેજ વિસ્તારના રહેવાસી ભુપતભાઇ પ્રજાપતિએ ભુંભલી ગામની સીમમાં ૧૨ વીઘા જમીન ખરીદી હતી. આ જમીન પર સ્થાનિક માટી માફિયાઓએ તરાપ મારી હતી. ખેડૂતની ગેરહાજરીનો લાભ ઉઠાવીને માફિયાઓએ માત્ર ૧૫ જ દિવસમાં ૮ વીઘા જમીનમાં ૮ ફૂટ જેટલા ઊંડા ખાડા પાડી દીધા હતા અને આખી જમીન ખોદીને તેમાંથી માટી ગાયબ કરી દીધી હતી.
કરોડો રૂપિયાની માટી ચોરીનો આંકડો વધી શકે
આ સમગ્ર કૌભાંડમાં વિપુલભાઈ મારૂ નામના આરોપીનું નામ સામે આવ્યું છે. આરોપીએ ડમ્પરો અને ભારે મશીનરી વડે રાત-દિવસ એક કરીને ગેરકાયદેસર રીતે માટીની ચોરી કરી હતી. આ ચોરી કરેલી માટી વટામણ-બગોદરા હાઇવે પર આવેલી એક હોટલ નજીક કથિત રીતે પુરાણ કરવા માટે વાપરી નાખવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
પોતાની કિંમતી જમીનની આવી દુર્દશા જોઈને ભોગ બનનાર ખેડૂતે આખરે પોલીસનો આશરો લીધો હતો. ખેડૂતની સત્તાવાર ફરિયાદના આધારે કોઠ પોલીસે આરોપી વિપુલ મારૂ સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હાલ કોઠ પોલીસ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે. બીજી તરફ, ખાણ ખનીજ વિભાગ પણ આ ઘટનામાં સામેલ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાણ ખનીજ વિભાગના સત્તાવાર સર્વે અને રિપોર્ટ બાદ આ કરોડો રૂપિયાની માટી ચોરીનો આંકડો વધુ મોટો થઈ શકે છે અને અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી શકે છે.