Last Updated on by Sampurna Samachar
રિક્ષા ચાલકની સંપૂર્ણ ઓળખ ધરાવતુ સ્ટીકર લગાવાયું
કાયદેસરની રિક્ષાઓનો એક મજબૂત ડેટાબેઝ તૈયાર કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં ઓટોરિક્ષામાં મુસાફરી કરતા લોકો સાથે થતી છેતરપિંડી કે અન્ય કોઇ ગુનાની ઘટનાઓ પર લગામ લાવવા લસકાણા પોલીસે એક વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં અંતર્ગત વિસ્તારમાં દોડતી તમામ ઓટોરિક્ષાઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી અને કાયદેસરની રિક્ષાઓનો એક મજબૂત ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો હતો, જેથી શંકાસ્પદ વાહનોને અલગ તારવી શકાય.

આ નવતર પ્રયોગના ભાગરૂપે લસકાણા પોલીસ દ્વારા તમામ ચકાસાયેલી રિક્ષાઓ પર એક ખાસ અધિકૃત સ્ટીકર લગાવવામાં આવ્યું છે. આ સ્ટીકર જે-તે રિક્ષા ચાલકની સંપૂર્ણ ઓળખ અને પોલીસ વેરિફિકેશન થઈ ગયું હોવાની સાબિતી છે.
રિક્ષાની આડમાં ગુનાખોરી કરનારા પર અંકુશ આવશે
પોલીસ દ્વારા તૈયાર કરાયેલા ડેટાબેઝમાં રિક્ષા ચાલકનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને વાહનના કાગળોની વિગતો નોંધવામાં આવી છે. આ ડિજિટલ અને ફિઝિકલ રેકોર્ડના કારણે હવે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ આચરીને રિક્ષા ચાલક સરળતાથી ભાગી શકશે નહીં.
લસકાણા પોલીસના આ અભિયાન પાછળનો મુખ્ય હેતુ સુરતની જનતા, ખાસ કરીને મહિલાઓ અને રાત્રિના સમયે મુસાફરી કરતા નાગરિકોની સુરક્ષામાં વધારો કરવાનો છે. અવારનવાર ઓટોરિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થતી હોય છે, ત્યારે આ સ્ટીકરવાળી રિક્ષાઓમાં બેસવાથી મુસાફરો સુરક્ષિત અનુભવશે. આ સાથે જ રિક્ષાના વ્યવસાયની આડમાં ગુનાખોરી આચરતા અસામાજિક તત્વો પર સીધો અંકુશ મેળવી શકાશે અને લસકાણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.