Last Updated on by Sampurna Samachar
ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગની વિદ્યાર્થીનીનો આપઘાત
સમગ્ર ધ્રોલ પંથકમાં શોકની લાગણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ધ્રોલની ભાગોળે ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ અરવલ્લીના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામની રહેવાસી અને હાલ ધ્રોલ ખાતે ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય પ્રજ્ઞા પરમારે બપોરે જમ્યા બાદ પોતાના રૂમમાં જઈ ચુંદડી વડે પંખા સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં સ્કૂલ સંચાલકો અને અન્ય વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. બાદમાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
આત્મહત્યાનુ કારણ અકબંધ
મળતી માહિતી મુજબ નર્સિંગ અભ્યાસક્રમનું વેકેશન પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની સાંજે જ હોસ્ટેલ ખાતે પરત ફરી હતી. જોકે બીજા જ દિવસે બપોરના સમયે તેણે આ અંતિમ પગલું ભરતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. વિદ્યાર્થીનીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.
દુ:ખદ ઘટનાના પગલે ગણેશ સ્કૂલના વિદ્યાર્થીગણ તેમજ સમગ્ર ધ્રોલ પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.