Last Updated on by Sampurna Samachar
સખત મહેનત અને યોગ્ય માર્ગદર્શન હંમેશા રંગ લાવે છે
વલસાડની દીકરીનો ગુજરાતમાં ડંકો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ધોરણ.૧૦ ના પરિણામો જાહેર થઇ ગયા છે. ત્યારે વલસાડ જિલ્લામાં ધો. 10 ના પરિણામે ખુશીની લહેર પ્રસરી ગઇ છે. વલસાડના અબ્રામા ધારાનગર ખાતે આવેલી BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં મેદાન માર્યું છે. વલસાડની દીકરી માર્ગી વેકરીયાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.

વલસાડના અબ્રામા સ્થિત BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અહીંની ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થિની માર્ગી વેકરીયાએ ગુજરાતી માધ્યમમાં ૯૯.૯૯ પર્સન્ટાઈલ અને ૯૮.૩૩% સાથે સમગ્ર ગુજરાતમાં અને વલસાડ જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. માર્ગીની આ અસાધારણ સફળતાએ સાબિત કર્યું છે કે સખત મહેનત અને યોગ્ય માર્ગદર્શન હંમેશા રંગ લાવે છે.
સંસ્થાના સંતો, આચાર્યો અને શિક્ષકોએ આપ્યા અભિનંદન
ગર્લ્સ સ્કૂલમાં માત્ર માર્ગી જ નહીં, પરંતુ શ્રેયા મનોજભાઈ ચૌહાણે પણ ૯૯.૯૫ પર્સન્ટાઈલ અને ૯૭.૬૭% મેળવી શાળામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સંસ્થાની ગર્લ્સ સ્કૂલના કુલ ૧૧ વિદ્યાર્થીઓએ છ૧ ગ્રેડ મેળવી શૈક્ષણિક ગુણવત્તાનો પરિચય આપ્યો છે. બીજી તરફ, BAPS બોયઝ સ્કૂલનું પરિણામ પણ તેટલું જ શાનદાર રહ્યું છે.
બોયઝ સ્કૂલના કુલ ૩૬ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ધ્યેય સુહાસ પટેલ ૯૯.૯૨ પર્સન્ટાઈલ અને ૯૭.૩૩% સાથે શાળામાં પ્રથમ ક્રમે રહ્યો છે. સંસ્થાના સંતો, આચાર્યો અને શિક્ષકોએ તમામ તેજસ્વી તારલાઓને આશીર્વાદ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે. આ સફળતાને પગલે વાલીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.