Last Updated on by Sampurna Samachar
CCE પરીક્ષા ઓનલાઈન નહીં, ઓફલાઇન લોની માગ સાથે પ્રાંત અધિકારીને આવેદન
ઓનલાઈન પરીક્ષાના કેન્દ્રો દૂર હોવાથી અને ટેકનિકલ કારણોસર અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના યુવાનોને ભારે મુશ્કેલી પડે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના શિક્ષિત યુવાનોએ એકઠા થઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનીનવી પરીક્ષા પદ્ધતિ સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. યુવાનોએ દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે, આગામી CCE ની ભરતી પ્રક્રિયા ઓનલાઈન પદ્ધતિને બદલે પરંપરાગત ઓફલાઇન પદ્ધતિથી યોજવામાં આવે.

ઉમેદવારોનો તર્ક છે કે ઓનલાઈન પરીક્ષાના કેન્દ્રો દૂર હોવાથી અને ટેકનિકલ કારણોસર અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના યુવાનોને ભારે મુશ્કેલી પડે છે.
ગ્રામીણ વિસ્તારોના યુવાનોને ભારે મુશ્કેલી
યુવાનોએ આવેદનમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અગાઉની ઓનલાઈન પરીક્ષાઓમાં‘નોર્મલાઈઝેશન‘ પદ્ધતિના કારણે મહેનત કરતા ઉમેદવારોના માર્ક્સમાં ૨ થી ૩૭ ગુણ સુધીનો મોટો તફાવત જોવા મળ્યો હતો.
આ પ્રક્રિયામાં નસીબના આધારે પરિણામ બદલાતા હોવાથી મહેનતુ યુવાનોને અન્યાય થઈ રહ્યો છે. આઉપરાંત, અગાઉની પરીક્ષામાં ૩૦૦થી વધુ ખોટા પ્રશ્નોના મામલે હાઇકોર્ટ સુધી જવું પડ્યું હતું, જેના કારણેભરતી પ્રક્રિયામાં લાંબો વિલંબ થયો હતો. યુવાનોએ સ્પષ્ટ કર્યું છે કે પોલીસ કોન્સ્ટેબલ અને PSI જેવી ઓફલાઇન પરીક્ષાઓ વધુ પારદર્શક અને ઝડપી હોય છે.
દાંતાના યુવાનોએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો જાહેરાત ક્રમાંક ૩૭૮/૨૦૨૫–૨૬ની પરીક્ષાપદ્ધતિમાં ફેરફાર કરીને તેને ઓફલાઇન કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉમેદવારોના હિતમાં અને ભરતી પ્રક્રિયાને ક્ષતિરહિત બનાવવામાટે ઓનલાઈન પદ્ધતિ રદ કરવી અનિવાર્ય હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.