Last Updated on by Sampurna Samachar
વાયુ પ્રદૂષણના કારણે સ્માકરને થઇ રહ્યુ છે નુકસાન
૧૬૩૯માં શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો લાલ કિલ્લો
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવનારો દિલ્હીનો લાલ કિલ્લો હાલ કાળો પડી રહ્યો છે. તેની લાલ દિવાલો હવે કાળી થઈ રહી છે. પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે દિલ્હીની ઝેરી હવા લાલ કિલ્લાને કાળી બનાવી રહી છે. ‘કેરેક્ટરાઈઝેશન ઓફ રેડ સેન્ડસ્ટોન એન્ડ બ્લેક ક્રસ્ટ ટુ એનાલાઈઝ એર પોલ્યુશન ઈમ્પેક્ટ્સ ઓન અ કલ્ચરલ હેરિટેજ બિલ્ડિંગ: રેડ ફોર્ટ, દિલ્હી, ઈન્ડિયા‘ શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જાણવા મળ્યું છે કે, વાયુ પ્રદૂષણના કારણે આ સ્મારકને નુકસાન થઈ રહ્યું છે.

લાલ કિલ્લો ૧૬૩૯માં શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેનું બાંધકામ ૧૬૪૮માં પૂર્ણ થયું હતું. તેનું નામ લાલ વિંધ્ય રેતીના પથ્થર પરથી આવ્યું છે, જે તેની વિશાળ દિવાલો (૨૦-૨૩ મીટર ઊંચી અને ૧૪ મીટર જાડી) અને મહેલોનો આધાર છે. ૧ ચોરસ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા લાલ કિલ્લો તે ૨.૪ કિલોમીટર દિવાલોથી ઘેરાયેલું છે.
જૂની દિલ્હીમાં ટ્રાફિક અને બાંધકામમાં વધુ પ્રદૂષણ
૨૦૦૭માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ પ્લેસ તરીકે જાહેર કર્યું હતું. પરંતુ આજે તેની દિવાલો પર કાળા પડ (કાળા પોપડા) બની રહ્યા છે. આ પોપડા આશ્રય વિસ્તારોમાં ૦.૦૫ મીમી પાતળા અને ટ્રાફિક વિસ્તારોમાં ૦.૫ મીમી જાડા છે. આ કિલ્લાની સૌંદર્યલક્ષી અને માળખાકીય અખંડિતતાને જોખમમાં મૂકે છે. ૨૦૧૮માં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ૨ મીટર જાડો કાળો થર દૂર કર્યો હતો. પરંતુ પ્રદૂષણ આ સમસ્યામાં વધારો કરી રહ્યું છે.

ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ઇટાલીના વિદેશ મંત્રાલયના સહયોગથી હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પ્રદુષણના કારણે લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે. આ અહેવાલ તૈયાર કરવામાં IIT રૂરકી, IIT કાનપુર, ફોસ્કરી યુનિવર્સિટી (વેનિસ) અને ASI ના વૈજ્ઞાનિકોએ સહયોગ આપ્યો હતો. સંશોધકોએ કિલ્લાના વિવિધ ભાગો (જેમ કે ઝફર મહેલ) માંથી લાલ રેતીના પથ્થર અને કાળા પોપડાના નમૂના લીધા હતા. તેનું પ્રયોગશાળા પરીક્ષણ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
દિલ્હીમાં PM ૨.૫, PM ૧૦ અને NO નું સ્તર રાષ્ટ્રીય ધોરણો કરતા ૨.૫ ગણું વધુ છે. આના કારણે કિલ્લાની દિવાલો પર કાળા પોપડા પડી રહ્યા છે. અભ્યાસના મુખ્ય લેખક ગૌરવ કુમારે જણાવ્યું હતું કે પ્રદૂષણથી સાંસ્કૃતિક વારસાને થતા નુકસાનનો આ પહેલો વૈજ્ઞાનિક અભ્યાસ છે. જૂન ૨૦૨૫માં ‘હેરિટેજ‘ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ શહેરી પ્રદૂષણની અસર પર પ્રકાશ પાડે છે. લાલ કિલ્લાની દિવાલો લાલ રેતીના પથ્થરથી બનેલી છે.
જે મુખ્યત્વે સિલિકા (ક્વાર્ટઝ) અને આયર્ન ઓક્સાઇડથી બનેલી છે. આયર્ન ઓક્સાઇડ તેને લાલ રંગ આપે છે. પરંતુ દિલ્હીની ઝેરી હવા આ પથ્થરને નુકસાન પહોંચાડી રહી છે.
ભારે ધાતુઓની અસર: અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કાળા પોપડામાં ટાઇટેનિયમ, નિકલ, તાંબુ, જસત, બેરિયમ અને સીસું જેવી ભારે ધાતુઓ ખૂબ જ વધુ હોય છે. જે બાંધકામ પ્રવૃત્તિઓ, રસ્તાની ધૂળ અને ફેક્ટરીના ઉત્સર્જનમાંથી આવે છે. આ ધાતુઓ પથ્થરની સપાટી પર મજબૂત કાળો પડ બનાવે છે. દિવાલોને નબળી પાડે છે. ઉદાહરણ તરીકે, સીસું અને તાંબુ ઓક્સિડેશનથી કાળી ચમક ઉત્પન્ન કરે છે.
દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો પૈકી એક છે. શિયાળામાં ધુમ્મસને કારણે PM સ્તર ૧૦ ગણું વધે છે.
ચાંદની ચોક અને કિલ્લાની આસપાસ જૂની દિલ્હીમાં ટ્રાફિક અને બાંધકામમાં વધુ પ્રદૂષણ થાય છે. અભ્યાસમાં CPCB ડેટાને જોડવામાં આવ્યો છે કે ૨૦૨૧-૨૦૨૩માં NO અને PM સ્તર ધોરણોથી ઉપર હતા, જે જીપ્સમ પોપડાનું મુખ્ય કારણ છે.