Last Updated on by Sampurna Samachar
વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર
રતલામથી ગાંજો સપ્લાય કરનારની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરમાં નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસે કમર કસી છે. તાજતેરમાં વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ૧૦ કિલો સામાન્ય ગાંજા અને અત્યંત મોંઘા ગણાતા ‘હાઇબ્રીડ ગાંજા‘ના રેકેટમાં પોલીસે વધુ બે શખસોની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.

મળતી માહિતી અનુસાર, આ હાઇપ્રોફાઇલ ડ્રગ્સ કેસની વિગત એવી છે કે, વડોદરા SOG એ સૌપ્રથમ ગોરવા વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતા રાજેન્દ્ર બિંદ નામના શખસને ઝડપી પાડ્યો હતો. તેની સઘન પૂછપરછ દરમિયાન આ નેટવર્કમાં સામેલ અન્ય બે સાગરીતો અને મધ્ય પ્રદેશના રતલામથી ગાંજો સપ્લાય કરનારા મુખ્ય વચેટીયા મોહન નીનામાનું નામ ખુલ્યું હતું, જેથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મોહનની પણ ધરપકડ કરી લીધી હતી.
મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા
પોલીસ કસ્ટડી દરમિયાન સપ્લાયર મોહન નીનામાએ ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, મોહન ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો વડોદરા લાવતો હતો અને અહીં આજવા રોડ પર રહેતા રિઝવાન દીવાન નામના ડ્રગ્સ પેડલરને પહોંચાડતો હતો. આ સગડ મળતા જ પોલીસે રિઝવાન દીવાનની પણ અટકાયત કરી હતી. પોલીસે આ સમગ્ર ઓપરેશન દરમિયાન ૧૦ કિલો સામાન્ય ગાંજો અને ૭૭ ગ્રામ કિંમતી હાઇબ્રીડ ગાંજો મળીને કુલ ૭ લાખ રૂપિયાથી વધુની કિંમતનો નશાનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું હતું કે, આ રેકેટમાં પકડાયેલો હાઇબ્રીડ ગાંજો જયેશ ઉર્ફે કાનો નીતિનસિંહ ચૌહાણ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. એસઓજીએ બાતમીના આધારે જયેશ ઉર્ફે કાનાની પણ ધરપકડ કરી લીધી છે.
હાલ પોલીસ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે જયેશ આ હાઈબ્રીડ ગાંજો ક્યાંથી અને કોની પાસેથી મેળવતો હતો. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મોટા માથાઓના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.