Last Updated on by Sampurna Samachar
ગોત્રી અને મંજુસર રોડ પર વાહનમાં આગ લાગી હતી
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં રાત્રે બે વાહનમાં આગ લાગવાના જુદા-જુદા બે બનાવ બન્યા હતા. વાત કરીએ બનાવની તો ગોત્રી રોડ ઉપર એક ખાનગી હોસ્પિટલ પાસે એક કારમાંથી ધુમાડા નીકળતા ચાલક બહાર નીકળી ગયો હતો અને ત્યારબાદ કારમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ કાબુમાં લેવાના પ્રાથમિક પ્રયાસો સફળ નહીં થતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

બીજા એક બનાવમાં વડોદરા પાસેના મંજુસર રોડ પર ગઈ મધરાતે એક ટેમ્પોમાં આગ લાગતા આખો ટેમ્પો આગમાં લપેટાઈ ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ આગ કાબુમાં આવે તેમ નહીં હોવાથી વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
ગરમીમાં વાહનોમાં આગ લાગવાનુ જોખમ વધ્યું
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા વડોદરા નજીક પાટોદ ગામે ભારતમાલા હાઇવે ઉપર એક કારમાં આગ લાગતા ચાલક જીવતો ભુંજાઈ ગયો હતો. જેથી ગરમીની સાથે સાથે વાહનોમાં આગના બનાવવાનું જોખમ વધી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે.