Last Updated on by Sampurna Samachar
પામોલ રોડ પર બે બાઈક વચ્ચે થયો હતો અકસ્માત
૧૪ વર્ષીય કિશોર પામોલની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદના બોરસદ-પામોલ રોડ પર માર્ગ અકસ્માતમાં માસુમ વિદ્યાર્થીનુ મોત નિપજ્યુ હતું. વાત કરીએ તો સામસામેથી આવતા બે મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કરમાં એક ૧૪ વર્ષીય માસૂમ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, અન્ય એક બાઇક સવારને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.

શાળાએથી છૂટીને હસતા મુખે ઘરે પરત ફરી રહેલા કિશોરના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની મળતી વિગતો અનુસાર, આ અકસ્માતની ઘટના પામોલ રોડ પર આવેલા ઝાખલાના કુવા વિસ્તાર નજીક બની હતી. ઝાખલાના કુવા વિસ્તારમાં જ રહેતો ૧૪ વર્ષીય કિશોર પામોલની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તે શાળા છૂટ્યા બાદ બાઇક લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો.
વ્હાલસોયા દિકરાને ગુમાવનાર પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું
આ દરમિયાન ઝાખલાના કુવા પાસે સામેથી આવી રહેલી અન્ય એક બાઇક સાથે તેની બાઇકની જોરદાર ટક્કર થઈ હતી. સામસામે થયેલી આ ભીષણ ટક્કરમાં માસૂમ વિદ્યાર્થીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.
આ અકસ્માતમાં સામેની બાઇક પર સવાર વ્યક્તિને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાઇક સવારને તાત્કાલિક સારવાર અર્થે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે.
અકસ્માતની જાણ થતાં જ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એકના એક વહાલસોયા દીકરાના લોહીલુહાણ મૃતદેહને જોઈને પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું, જેના દ્રશ્યો જોઈ ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.