Last Updated on by Sampurna Samachar
વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારની ઘટના
દંપતીના સંતાનોએ કરી ઘટનાની જાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા ઉમા પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે બનેલી એક ગંભીર ઘટનામાં પતિએ પત્ની પર ધારદાર હથિયારથી હુમલો કર્યા બાદ પોતાનું જીવન ટૂંકાવી દીધું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, પતિ-પત્ની વચ્ચે ઘરેલુ વિવાદ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રાથમિક તપાસ અનુસાર, આરોપી પતિએ પત્નીના ગળાના ભાગે કટર જેવા ધારદાર સાધનથી હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ આરોપીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
કપૂરાઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
ફરિયાદ મુજબ, દંપતીના સંતાનોએ ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી. પડોશીઓ અને પરિવારજનો સ્થળ પર પહોંચ્યા બાદ મહિલાને બચાવી સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી હતી. જ્યારે ઘરમાં તપાસ કરતા પતિ મૃત હાલતમાં મળી આવ્યો હતો.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના પરિવારની ફરિયાદના આધારે મૃતક પતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જાેગવાઈઓ હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે.
કપૂરાઈ પોલીસ સમગ્ર ઘટનાના કારણો, ઘરેલુ વિવાદની પૃષ્ઠભૂમિ તેમજ અન્ય સંજોગોની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે તમામ પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.