Last Updated on by Sampurna Samachar
ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી
કલેક્ટરના મેઇલ આઇડી પર આવ્યો મેઇલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી એરપોર્ટ , સ્કૂલ અને યુનિવર્સિટીઓમાં ઈમેલ દ્વારા બોંબથી ઉડાડી દેવાની ધમકીઓ મળી રહી છે. ત્યારે પાટણ અને રાજકોટમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બંન્ને કલેક્ટર કચેરીઓના ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. સરકારી ઓફિસને બોમ્બની ધમકી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવી છે અને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પાટણ કલેક્ટરના મેઇલ આઇડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પાટણ કલેક્ટર ઓફિસમાં ૩ વાગ્યે બોમ્બની ધમકી મળી હતી. જેને લઈને ૨૦૦થી વધુ કર્મચારીઓને કલેક્ટર ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ધમકીને પગલે પોલીસનો કાફલો અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કલેક્ટર કચેરીના કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
ડોગ સ્કવોડ ની ટીમે તપાસ હાથ ધરી
બીજી તરફ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને જાણ કરી છે. સમગ્ર મામલે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ તપાસ અર્થે કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે.