Last Updated on by Sampurna Samachar
૩૦ મે થી લઈને ૧ જૂન દરમિયાન વિવિધ શહેરમાં વરસાદની સંભાવના
૯ જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાના સંકેતો મળી રહ્યા છે. હાલમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર એ છે કે આગામી ૩ દિવસ સુધી રાજ્યમાં તાપમાન યથાવત્ રહ્યા બાદ, તેમાં ૨થી ૩ ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આ તાપમાનના ઘટાડા સાથે જ લોકોને અસહ્ય ઉકળાટ અને હીટવેવમાંથી આંશિક મુક્તિ મળશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મે મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટો આવવાની શરૂઆત થશે, જેમાં ખાસ કરીને ૩૦ મે થી લઈને ૧ જૂન દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે.આ સમયગાળા દરમિયાન કેટલાંક જિલ્લાઓમાં ગાજવીજ, કડાકા-ભડાકા અને તીવ્ર ગતિના પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદ વરસી શકે છે, જે ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન પૂર્વેની દસ્તક સમાન બની રહેશે.
લોકોને હિટવેવથી મળશે રાહત
સુત્રો અનુસાર ૩૦ મે ૨૦૨૬ના રોજ ઉત્તર અને પૂર્વ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ ૩૧ મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરની સાથે દાહોદ અને પંચમહાલ જિલ્લાના વિસ્તારો પણ વરસાદી વાતાવરણ સર્જાઇ શકે છે.
આ વરસાદી સિસ્ટમ ૧ જૂન ૨૦૨૬ના રોજ થોડું વધુ વ્યાપક બનશે અને રાજ્યના નવ જેટલા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જેવા ઉત્તર-પૂર્વના જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે.
આ પૂર્વેના આગામી ૭ દિવસ દરમિયાન રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી નહિવત હોવાથી કોઈ મોટી વિશિષ્ટ ચેતવણી જાહેર કરાઈ નથી. રાષ્ટ્રીય સ્તરે હવામાનની સિસ્ટમ પર નજર કરીએ તો, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલ સાનુકૂળ પરિસ્થિતિઓ વચ્ચે માલદીવ, કોમોરિન ક્ષેત્ર, દક્ષિણ બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્ર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.