Last Updated on by Sampurna Samachar
તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા દુર્ઘટના સર્જાઇ
સ્થાનિકોએ દોડીને બાળકનો જીવ બચાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક દિનપ્રતિદિન માસૂમ બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શહેરના પ્રખ્યાત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર ગણાતા બેગમવાડીની તિરૂપતિ માર્કેટના પાર્કિંગમાં એક માસૂમ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ અચાનક હુમલો કરી દીધો હતો. કાળજું કંપાવી દેનારી આ સમગ્ર ઘટના માર્કેટમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

CCTV ફૂટેજમાં જાેઈ શકાય છે કે બાળક પાર્કિંગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે જ કૂતરાઓએ તેને ઘેરી લીધું હતું અને નીચે પાડીને બચકાં ભરવાનું શરૂ કર્યું હતું. બાળકની ચીસાચીસ સાંભળીને આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકો તાત્કાલિક લાકડીઓ લઈને દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ શ્વાનોને ભગાવીને માસૂમને લોહીલુહાણ હાલતમાં બચાવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
રખડતા શ્વાનોએ વહીવટી તંત્રની પોલ ફરી એકવાર ખુલ્લી પાડી
આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકા ના હાઇડ્રોલિક અને શ્વાન નિયંત્રણ વિભાગ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વેપારીઓ અને સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે તિરૂપતિ માર્કેટ વિસ્તારમાં અગાઉ પણ રખડતા કૂતરાઓના ટોળા આંટા મારતા હોવાની અનેક લેખિત-મૌખિક ફરિયાદો કરવામાં આવી હતી. તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા આજે આ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનાએ શહેરમાં રખડતા શ્વાનોના ખતરા સામે વહીવટી તંત્રની પોલ ફરી એકવાર ખુલ્લી પાડી દીધી છે.