Last Updated on by Sampurna Samachar
હોસ્પિટલના ડોક્ટરે બેદરકારી થઇ હોવાનો સ્વીકાર કર્યો
પરિવારે હોસ્પિટલ બહાર ભારે હંગામો મચાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો અને સ્ટાફની ઘોર બેદરકારીના કારણે એક ૨૨ વર્ષના આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. માહિતી મુજબ અમરેલીના ડુંગર ગામના વતની ૨૨ વર્ષીય નીરજ વ્યાસને ધોલેરા નજીક ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો. નીરજને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અહીં તેને સમયસર અને યોગ્ય સારવાર ન મળી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.

મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર, ડ્યુટી પર હાજર નર્સ દ્વારા દર્દીનું વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યું હતું,જેના કારણે નીરજની તબિયત અચાનક વધુ બગડી ગઈ હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પરિવારે એવો પણ દાવો કર્યો છે કે હોસ્પિટલના એક સિનિયર ડોક્ટરે પણ આ સમગ્ર મામલે પોતાની બેદરકારી થઈ હોવાનો સ્વીકાર કર્યો હતો.
હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ અપાયા
યુવાનના અકાળે અવસાનથી આઘાતમાં સરેલા પરિવારે હોસ્પિટલ બહાર ભારે હંગામો મચાવ્યો હતો અને ન્યાયની માંગ કરી હતી. આ ચકચારી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું છે કે આ મામલે કમિટીની રચના કરી તપાસ કરવામાં આવશે અને જો કોઈ કસૂરવાર જણાશે તો તેની સામે કડક પગલાં લેવાશે.