Last Updated on by Sampurna Samachar
આરોપીઓએ યુવકને બેરહેમીથી માર મારી નગ્ન વીડિયો ઉતાર્યો
ગંભીર ધમકી આપીને રસ્તા પર છોડી દીધો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના સનફાર્મા રોડ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી ગુનાહિત ઘટના સામે આવી છે. અહીં માત્ર પોતાના મિત્ર પાસે રાખેલો મોબાઈલ ફોન પરત માંગવા જેવી સામાન્ય બાબતમાં ૨૦ વર્ષીય યુવકનું ફિલ્મી ઢબે કારમાં અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. એટલું જ નહીં, અપહરણકારોએ યુવકને ગોંધી રાખી ઢોર માર માર્યો હોવાનો અને તેની લાચારીનો નગ્ન વીડિયો ઉતાર્યો હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર યુવકે તેના મિત્રને આપેલો મોબાઈલ ફોન પાછો માંગ્યો હતો. આ વાતનો ખાર રાખીને કેટલાક શખ્સો સનફાર્મા વિસ્તારમાંથી યુવકને પરાણે કારમાં બેસાડીને અજ્ઞાત સ્થળે ઉપાડી ગયા હતા.
આરોપીઓની શોધખોળ માટે પોલીસે તપાસ હાથ ધરી
અપહરણ દરમિયાન આરોપીઓએ યુવકને બેરહેમીથી માર માર્યો હતો અને અમાનવીયતાની તમામ હદો પાર કરતા તેને ર્નિવસ્ત્ર કરી તેનો નગ્ન વીડિયો શૂટ કરી લીધો હતો. આ કૃત્ય બાદ નરાધમોએ યુવકને જો કોઈને પણ આ વિશે જાણ કરશે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપીને રસ્તા પર છોડી દીધો હતો.
આ ભયાનક ઘટનાથી યુવક એટલો હચમચી ગયો હતો અને ડરી ગયો હતો કે તે બે દિવસ સુધી પોતાના ઘરે પણ ન ગયો અને એક અન્ય મિત્રના ઘરે છુપાઈને રહ્યો હતો. આખરે હિંમત ભેગી કરીને તેણે પોતાના પરિવારજનોને આ આપવીતી જણાવી હતી. આખી ઘટનાની જાણ થતાં જ પરિવારે તાત્કાલિક વડોદરાના અટલાદરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.
યુવકની ફરિયાદના આધારે અટલાદરા પોલીસે અપહરણ, ધાક-ધમકી અને આઈટી એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી દીધી છે અને ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કામે લગાડી છે.