Last Updated on by Sampurna Samachar
અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની અછતથી સ્થાનિકોમાં આક્રોશ
સુરતમાં પાણીના પ્રશ્ને ભાજપના મહિલા કોર્પોરેટર ફસાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના વરાછા, કાપોદ્રા વિસ્તારમાં પીવાના પાણીની અછતથી રોષે ભરાયેલા સ્થાનિકોએ ભાજપના વોર્ડ નંબર ૪ના મહિલા કોર્પોરેટર હંસા ગજેરાને ઘેરી લીધા હતા. મોડી રાત્રે પાણી માટે તરસી રહેલા લોકોએ કોર્પોરેટરને આકરા સવાલો પૂછ્યા. ચૂંટણી વખતે મત માંગવા આવતા નેતાઓ અત્યારે ક્યાં છે તેવા પ્રશ્નોથી કોર્પોરેટર લાચાર બન્યા, જેનો વીડિયો વાયરલ થયો છે.

સુરતમાં ખાડી પૂર અને ભારે વરસાદના ઓસરી ગયા બાદ હવે પીવાના પાણીની અછતને લઈને જનઆક્રોશનો પ્રવાહ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સુધી પહોંચી ગયો છે. વરાછાના કાપોદ્રા વિસ્તારમાં પીવાના પાણી માટે તરસી રહેલા સ્થાનિકોએ ભાજપના મહિલા કોર્પોરેટરને ઘેરી લઈ આકરા સવાલો પૂછ્યા હતા. લોકોના ભારે રોષ અને સવાલોની ઝડી સામે કોર્પોરેટર જાહેરમાં લાચાર અને બચાવની મુદ્રામાં આવી ગયા હતા.
સરકારી બાબુઓને ગુસ્સો સહન કરવો પડી રહ્યો છે
કાપોદ્રા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની ગંભીર અછત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોની રજૂઆત સાંભળવા પહોંચેલા વોર્ડ નંબર ૪ના ભાજપના મહિલા કોર્પોરેટર હંસા ગજેરાને સ્થાનિક મહિલાઓએ ઘેરી લીધા હતા.
મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા પૂછ્યું હતું કે, ‘ચૂંટણી વખતે મત માંગવા દસ-દસ વખત આવતા હતા, આજે લોકો પાણી માટે તરસી રહ્યા છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાં ગાયબ છે?‘ લોકો આક્ષેપ કર્યો હતો કે પીવાના પાણી માટે કલાકો સુધી રાહ જાેવી પડે છે અને પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
લોકોનો આક્રોશ વધતો જાેઈ કોર્પોરેટર હંસા ગજેરાએ સૌને “જરા શાંતિ રાખોપ” તેવી અપીલ કરી હતી. જાેકે, આ શબ્દો સાંભળતા જ ભીડ વધુ ઉશ્કેરાઈ ગઈ હતી અને મહિલાઓએ વધુ આક્રમક રીતે વિરોધ નોંધાવતા સ્થળ પર ભારે બોલાચાલીનો માહોલ સર્જાયો હતો. વિરોધ સતત વધતો જાેઈ કોર્પોરેટરે લાચારી અને કટાક્ષભર્યા સ્વરે કહ્યું કે, ‘મારે તો એમાં કંઈ અંદર ઉતરવાનું નથી, નકર તો હું અત્યારે જ કાઢી દઉં બધુંપ હાલોપ‘ તેના આ નિવેદન બાદ ઘટનાએ વધુ નાટકીય વળાંક લીધો હતો.
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી દરમિયાન મત મેળવવા ઘરે-ઘરે પહોંચતા નેતાઓને હવે જનતા મુશ્કેલીના સમયે તેમની જવાબદારી યાદ અપાવી રહી છે.
ખાડી પૂર બાદ સુરતમાં સફાઈ, આરોગ્ય અને પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓને લઈને નાગરિકોમાં ભારે અસંતોષ છે. છેલ્લા કેટલાક દિવસોમાં પાલિકાના અધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરોને પણ વિવિધ વિસ્તારોમાં લોકોના ઉગ્ર રોષનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં કાપોદ્રાની આ ઘટના વધતા જનઆક્રોશનું જીવંત ઉદાહરણ બની છે.