Last Updated on by Sampurna Samachar
નોઈડામાં ISI સાથે જોડાયેલા ૨ આતંકવાદીઓની ધરપકડ
બંને શંકાસ્પદ આરોપીઓ સ્લીપર સેલ પણ બનાવી ચૂક્યા હતા : આતંકવાદી કૃત્યો માટે પૈસાની લાલચ અપાઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશ એટીએસએ નોઈડાથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ આઈએસઆઈ માટે કામ કરી રહ્યા હતા અને પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી સાથે જોડાયેલા હતા. તેમની પાસેથી પિસ્તોલ, કારતૂસ અને ચપ્પુ મળી આવ્યા છે. આ બંને શંકાસ્પદ આઈએસઆઈના ઈશારે ભારત વિરુદ્ધ મોટા કાવતરાની યોજના ઘડી રહ્યા હતા.

એટીએસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓની ઓળખ બાગપતના તુષાર ચૌહાણ ઉર્ફે હિઝબુલ્લા અલી ખાન તરીકે થઈ છે, જ્યારે બીજા આરોપીનું નામ સમીર ખાન છે, જે દિલ્હીનો રહેવાસી હોવાનું કહેવાય છે. આ બંનેની ઉંમર ૨૦ વર્ષની આસપાસ છે. એટીએસને આતંકવાદીઓ પાસેથી પિસ્તોલ, કારતૂસ અને ચપ્પુ મળી આવ્યા છે. આ સિવાય એટીએસ દ્વારા તેમની પાસેથી બે મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આઈડી બંધ થયા પછી ફરીથી એકાઉન્ટ બનાવ્યું
એટીએસ મુજબ, બંને શંકાસ્પદ આઈએસઆઈ માટે કામ કરી રહ્યા હતા અને પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી સાથે જાેડાયેલા હતા. આ આરોપીઓ આબિદ જટ સહિત અનેક હેન્ડલર્સના સંપર્કમાં હતા. આ શંકાસ્પદોને ભારતમાં સંવેદનશીલ સ્થળોની રેકી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
આ લોકો પ્રભાવશાળી વ્યક્તિઓના ઘરે ગ્રેનેડ ફેંકવાનું કાવતરું ઘડી રહ્યા હતા. યુપી એટીએસના જણાવ્યા મુજબ, બંને શંકાસ્પદ આરોપીઓએ સ્લીપર સેલ પણ બનાવી લીધા હતા. તેમને આતંકવાદી ઘટનાઓ માટે પૈસાની લાલચ આપવામાં આવી હતી. આ માટે પહેલા ૫૦ હજાર એડવાન્સ અને બાદમાં અઢી લાખ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ બંને ઈન્સ્ટાગ્રામ દ્વારા પાકિસ્તાની ગેંગસ્ટરના સંપર્કમાં હતા. તેમણે આઈડી બંધ થયા પછી ફરીથી એકાઉન્ટ બનાવ્યું હતું.
એકબીજા સાથે સંપર્ક કરવા માટે આ લોકો વોઈસ અને વિડિયો કોલનો ઉપયોગ કરતા હતા. તેમને દુબઈ થઈને પાકિસ્તાન બોલાવવાની લાલચ આપવામાં આવી હતી. કટ્ટરપંથી યુટ્યુબર્સે પણ લાલચ આપી હતી. આ આરોપીઓ મેરઠમાં રહીને મોટા કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં હતા. તેઓ આરોપી સમીર ખાન સાથે મળીને પ્લાનિંગ કરી રહ્યા હતા. તેમને ટીટીએચ (્ૐ) લખીને લોકોને જાેડવાનું ટાસ્ક આપવામાં આવ્યું હતું.
આ આતંકવાદીઓ આઈએસઆઈ એજન્ટ મેજર હમીદ, ઈકબાલ અને અનવરના સંપર્કમાં હતા. યુપી એટીએસ હવે તેમને રિમાન્ડ પર લઈને ઝીણવટભરી પૂછપરછ કરશે. તેમના અન્ય સાથીદારો વિશે પણ પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછમાં અન્ય ઘણા મોટા ખુલાસા પણ થઈ શકે છે.