Last Updated on by Sampurna Samachar
દારૂ છુપાવવા ટોઇંગ ક્રેનનો ઉપયોગ કર્યો
ક્રેન ચલાવનાર મૂળ હરિયાણાના રહેવાસી આરોપીની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા પોલીસની સતર્કતાના કારણે બુટલેગરોનો વધુ એક કિમીયો નિષ્ફળ ગયો હતો. વાવ-થરાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને થરાદ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રાહ તાલુકાના મેઘપુરા ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક ટોઇંગ ક્રેનને રોકીને તપાસ કરતા પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

સામાન્ય રીતે અકસ્માતગ્રસ્ત કે બંધ પડેલા વાહનોને ખેંચી જવા માટે વપરાતી ટોઇંગ ક્રેનનો ઉપયોગ આ વખતે દારૂની હેરાફેરી માટે કરવામાં આવ્યો હતો. બુટલેગરોએ ક્રેનની અંદર સ્પેશિયલ ગુપ્ત ચોરખાનું તૈયાર કર્યું હતું. આ ઉપરાંત પોલીસને વાહનના નંબર પર શંકા ન જાય તે માટે ક્રેન પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. પોલીસે ક્રેનની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૫૬૦ બોટલો મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો અમદાવાદ ખાતે સપ્લાય કરવાનો પ્લાન હતો.
એક સાથીદાર પોલીસથી નાસવામાં સફળ રહ્યો
પોલીસે ઘટનાસ્થળેથી દારૂનો જથ્થો, હેરાફેરીમાં વપરાયેલી ક્રેન અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૧૬.૮૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં ક્રેન ચલાવતા અને મૂળ હરિયાણાના રહેવાસી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે,
જ્યારે તેનો અન્ય એક સાથીદાર પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. થરાદ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા શખ્સ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને, દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં કોને આપવાનો હતો તે દિશામાં સઘન રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.