Last Updated on by Sampurna Samachar
ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ માટે ગૌતમ ગંભીર પરત ફર્યા
ઋષભ પંત હવે આ યુવા ટીમના સિનિયર સભ્યોમાંનો એક
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતની પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ઇંગ્લેન્ડના લીડ્સ પરત ફર્યા છે અને શરૂ થતી પ્રથમ ટેસ્ટ પહેલા તેઓ ટીમમાં જોડાયા છે. કોચ ગંભીર ગયા અઠવાડિયે ભારત પરત ફર્યા હતા. કારણ કે તેમની માતા ખરાબ સ્વાસ્થ્યને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બેકેનહમમાં ઇન્ટ્રા-સ્ક્વોડ મેચ પહેલા ગંભીરે ટીમ છોડી હતી અને તેમની ગેરહાજરીમાં સહાયક કોચ રાયન ટેન ડોશેટે જવાબદારી સંભાળી હતી. ગૌતમ ગંભીર દેશમાં પરિસ્થિતિઓ બદલાતા ક્યારે પરત આવશે તે અંગેની કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી નહોતી, પરંતુ હવે તેઓ પરત ફરતા અંતિમ સમયે ટીમમાં કોઈ મહત્વના ફરેફારો હશે તે અંગે ર્નિણય લઈ શકે છે. નોંધનીય છે કે, રોહિત અને કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે અને હવે યુવા ટીમ એક નવો ઇતિહાસ રચવા માટે આગળ વધી છે.
વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન નિવૃત્ત
આ પ્રવાસ ગંભીર માટે મહત્વપૂર્ણ છે. કારણ કે તેમના કોચિંગ કાર્યકાળની શરૂઆત મિશ્ર રહી છે. તેમના નેતૃત્વ હેઠળ ભારતે આ વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ભારતે તેમની છેલ્લી આઠ ટેસ્ટમાંથી પાંચ ટેસ્ટ હારી હતી, જેમાં ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે ઘર આંગણે ઐતિહાસિક ક્લીન સ્વીપનો સમાવેશ થાય છે, જેના કારણે તેઓ ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયા હતા. હવે જોવાનું એ રહે છે કે ટીમ ઇંગ્લેન્ડ સામે કેવી રીતે રમે છે.
શુભમન ગિલની નવી કેપ્ટનશીપ હેઠળની આ શ્રેણી ભારતના ટેસ્ટ ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત કરશે, કારણ કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન આ ફોર્મેટમાંથી નિવૃત્ત થઈ ગયા છે. વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત હવે આ યુવા ટીમના સિનિયર સભ્યોમાંનો એક છે અને ગિલ સાથે નેતૃત્વ જૂથનો ભાગ છે, જેને વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બુધવારે, પંતે ભારતીય કેપ્ટન સાથેની તેની મિત્રતા અને મેદાન પર તેમની સાથેના સંબંધો વિશે વાત કરી હતી. પંતે કહ્યું હતું કે, “મને લાગે છે કે હું અને શુભમન મેદાનની બહાર ખૂબ સારા મિત્રો છીએ. જાે તમે મેદાનની બહાર સારા મિત્રો છો, તો તે મેદાન પર પણ પ્રતિબિંબિત થાય છે. આ એવી વસ્તુ છે જેમાં હું હંમેશા વિશ્વાસ રાખું છું.”