Last Updated on by Sampurna Samachar
વાવણી પહેલા ડીઝલની અછતથી ખેડૂતોની મુશ્કેલી વધી
રતનપુર સહિત અનેક ગામોમાં ટ્રેક્ટરો અને કૃષિ યંત્રોના પૈડા થંભી ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની અછત ગંભીર બનતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસું નજીક આવતા ખેડૂતોએ વાવણી પૂર્વેની તૈયારીઓ શરૂ કરી છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતાં ખેતીકાર્ય પર સીધી અસર પડી રહી છે. રતનપુર સહિત અનેક ગામોમાં ટ્રેક્ટરો અને કૃષિ યંત્રોના પૈડા ધીમા પડી ગયા છે. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે પેટ્રોલપંપ પર પૂરતું ડીઝલ ઉપલબ્ધ નથી, જેના કારણે રોજિંદી ખેતી કામગીરી અટવાઈ રહી છે.

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ કેટલાક પેટ્રોલપંપ પર માત્ર પાંચ લિટર જેટલું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જ્યારે ક્યાંક મર્યાદિત જથ્થો ફાળવવામાં આવે છે. ડીઝલ મેળવવા માટે ખેડૂતો લાંબી લાઈનમાં ઊભા રહેવા છતાં નિરાશ થઈ પરત ફરી રહ્યા છે. બીજી તરફ ખનન સાથે જોડાયેલા વાહનોને પણ પૂરતું ડીઝલ ન મળતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ડીઝલના અભાવે ટ્રેક્ટર અને અન્ય કૃષિ યંત્રો નિષ્ક્રિય બનતા ખેડામણ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
સમસ્યા નહીં ઉકેલાય તો ખેડૂતો કરી શકે ઉગ્ર વિરોધ
ખેડૂતોએ સરકાર સમક્ષ ગામડાઓ સુધી પૂરતો ડીઝલ પુરવઠો પહોંચાડવાની માંગ ઉઠાવી છે. કૃષિ હેતુ માટે અલગ ડીઝલ ક્વોટો ફાળવવાની પણ માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર ડીઝલ ઉપલબ્ધ નહીં થાય તો વાવણી મોડે પડશે અને તેનો સીધો પ્રભાવ પાક ઉત્પાદન પર પડશે. પુરવઠા વિભાગના અધિકારીઓ મેદાનમાં ન ઉતરતા ખેડૂતોમાં નારાજગી વધી રહી છે. હવે વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.