Last Updated on by Sampurna Samachar
પાક બગડતાં ખેડૂતોએ વળતર માંગ કરી
બોડેલીમાં મિની વાવાઝોડાથી કેળનો પાક જમીનદોસ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં વાતાવરણ બદલાયા બાદ જે સ્થિતિ થઇ જેની સૌથી મોટી અસર ખેડૂતો પર જોવા મળી રહી છે. છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ફૂંકાયેલા ભારે પવનના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને બોડેલી તાલુકાના જબુગામ સહિતના આસપાસના વિસ્તારોમાં કેળના પાકને સૌથી વધુ ફટકો પડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. વર્ષભરની મહેનત પળવારમાં બરબાદ થઈ જતાં ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, મધરાત્રે અચાનક વાતાવરણ પલટાયું હતું અને તીવ્ર ગતિએ સુસવાટા મારતો પવન ફૂંકાયો હતો. આ મિની વાવાઝોડાનો સીધો ફટકો કેળના ખેતરો પર પડ્યો હતો. જબુગામ પંથકના અનેક ખેતરોમાં કેળના છોડ થડમાંથી જ તૂટીને જમીનદોસ્ત થઈ ગયા છે.
પાક વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ
ખેડૂતોના જણાવ્યાનુસાર, કેળનો પાક એકદમ તૈયાર થવાના આરે હતો અને આગામી દિવસોમાં તેનું વેચાણ કરીને કમાણી કરવાની આશા હતી. કેટલાક ખેતરોમાં કેળાની લૂમ સાથેના આખેઆખા છોડ વચમાંથી બટકી ગયા છે, જેના કારણે હવે આ પાક કોઈ કામનો રહ્યો નથી. ચોમાસાની સિઝનની તો આ માત્ર શરૂઆત છે, ત્યાં જ કુદરતે આવો માર માર્યો છે. આ સ્થિતિ જોતા આગામી દિવસોને લઈને પણ જગતનો તાત ચિંતામાં ડૂબ્યો છે.
ખેડૂતીની રાતભરની કાળી મજૂરી અને મોંઘા ભાવના ખાતર-બિયારણના ખર્ચે ઉછેરેલો પાક આંખના પલકારામાં નષ્ટ થઈ ગયો છે. આ કુદરતી આફત અમારા માટે મોટા આર્થિક સંકટ સમાન છે. હાલમાં જબુગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનગ્રસ્ત ખેતરોના દ્રશ્યો જોઈને ખેડૂતો આસુ સારી રહ્યા છે. આ પરિસ્થિતિને પગલે અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારોમાં ટીમ મોકલીને સર્વે કરવામાં આવે. તેમજ જે ખેડૂતો સંપૂર્ણ પાયમાલ થયા છે તેમને વહેલી તકે યોગ્ય પાક વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.