Last Updated on by Sampurna Samachar
છોટાઉદેપુર ST તંત્રની બેદરકારી
સરકારના આધુનિક બસના દાવા પોકળ સાબિત થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
છોટાઉદેપુર ST ડેપોમાં સરકારી બસોની હાલતને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. વડોદરાથી મુસાફરો લઈને આવેલી ST બસ ડેપોના મુખ્ય ગેટ પાસે પહોંચતા જ અચાનક બંધ થઈ ગઈ હતી. ડેપોના દરવાજા પાસે જ બસ ખોટકાઈ જતાં મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

ધોમધખતા તાપ અને ભરચક અવરજવર વચ્ચે બસ બંધ થઈ જતા રસ્તા પર પણ અડચણ સર્જાઈ હતી. બસને ચાલુ કરવા અને રસ્તા પરથી હટાવવા માટે અંતે મુસાફરો અને કંડક્ટરે જ આગળ આવવું પડ્યું હતું. મુસાફરો અને કંડક્ટરે ભેગા મળીને બસને ધક્કા મારીને આગળ ખસેડવાનો પ્રયાસ કર્યો હતો.
ST તંત્રની વ્યવસ્થા પર ચર્ચા
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં એસટી તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોનું કહેવું છે કે સરકારી બસમાં મુસાફરી માટે પૂરું ભાડું ચૂકવ્યા બાદ પણ તેમને વારંવાર આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, એસટી વિભાગ દ્વારા નવી અને આધુનિક બસો દોડાવવાના દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં ઘણા રૂટ પર હજુ પણ જૂની અને જર્જરિત બસો ચલાવવામાં આવી રહી છે. આવી બસોના કારણે મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
મુસાફરો અને સ્થાનિકોએ માંગ કરી છે કે એસટી વિભાગ દ્વારા જૂની બસોને બદલવામાં આવે અને નિયમિત જાળવણી કરવામાં આવે જેથી આવી પરિસ્થિતિઓ ટાળી શકાય. હાલ આ ઘટનાએ ફરી એકવાર એસટી તંત્રની વ્યવસ્થા પર ચર્ચા જગાવી છે.