Last Updated on by Sampurna Samachar
એક નિર્દોષ યુવક પાસેથી બે લાખ ઉપરાંત લઇ થઇ ગઇ હતી ફરાર
મહિલા સાગરીત સહિત ૭ લોકોને પોલીસે દબોચ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ફેબ્રુઆરી મહિનામાં બનેલી ચકચારી ‘લૂંટેરી દુલ્હન’ ગેંગના ગુનાનો પર્દાફાશ કરવામાં મહીસાગર SOG ને મોટી સફળતા મળી છે. લગ્નની લાલચ આપી, ખોટી લગ્નવિધિ રચીને એક નિર્દોષ યુવક પાસેથી રૂ.૨,૭૦,૦૦૦ પડાવી ફરાર થઈ ગયેલી લૂંટેરી દુલ્હન અને તેની મુખ્ય મહિલા સાગરીત સહિત ૭ લોકોને પોલીસે દબોચી લીધા છે.

મળતી માહિતી મુજબ લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થોડા સમય પહેલાં લગ્નના નામે મોટી છેતરપિંડી થઈ હતી. આ ટોળકીએ યુવકને લગ્નની લાલચ આપીને પહેલાં કન્યા બતાવી હતી અને ત્યારબાદ વિશ્વાસમાં લઈને ખોટી લગ્નવિધિ કરાવી હતી. લગ્ન બાદ આ લૂંટેરી દુલ્હન થોડા દિવસો સુધી યુવક સાથે પત્ની તરીકે રહી પણ હતી.
ગેંગના અન્ય પાંચ ફરાર સાગરીતોને ઝડપવા ચક્રો ગતિમાન
તક મળતા જ તે ઘરમાંથી રોકડ રકમ તેમજ કિંમતી દાગીના મળી કુલ રૂ.૨,૭૦,૦૦૦ની મત્તા સકેલીને રાતોરાત ફરાર થઈ ગઈ હતી. છેતરાયા હોવાનો અહેસાસ થતાં જ પીડિત યુવકે ફેબ્રુઆરી માસમાં લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લુણાવાડા પોલીસે ગુનો નોંધીને અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ દરમિયાન પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, પરંતુ આ ગુના પાછળ કુલ સાત આરોપીઓની આખી ગેંગ સક્રિય છે. કેસની ગંભીરતાને જોતાં મહીસાગર SOG ની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કેસના મુખ્ય બે મહિલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
પકડાયેલી મહિલાઓમાં લૂંટેરી દુલ્હન કોકીલાબેન ભીખાભાઈ પરમાર અને ગુનાની મુખ્ય સૂત્રધાર એવી અન્ય એક મહિલા સુરેખાબેન ઉર્ફે રેખાબેન રાજેશભાઈ પ્રેમસિંગ યાદવનો સમાવેશ થાય છે. હાલમાં આ બંને મહિલા આરોપીઓની અટકાયત કરીને લુણાવાડા પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પોલીસને આશંકા છે કે આ ટોળકીએ અન્ય જિલ્લાઓ કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક કુંવારા યુવકોને આ જ રીતે લગ્નની જાળમાં ફસાવીને શિકાર બનાવ્યા હોઈ શકે છે. આ દિશામાં પોલીસ હાલ બંને આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે અને ગેંગના અન્ય પાંચ ફરાર સાગરીતોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.