Last Updated on by Sampurna Samachar
ડાંગમાં સાસુ–વહુ વચ્ચે રાજકીય જંગ, મતદારોને રિજવવા બન્ને મેદાને
કોંગ્રેસ પક્ષે સાસુ પર ભરોસો મૂક્યો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની જ વહુને ટિકિટ આપીને ચૂંટણીજંગને રસપ્રદ બનાવી દીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ડાંગ જિલ્લાની સુબીર–૧૬ જિલ્લા પંચાયતબેઠક અત્યારે આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે આપણે ટીવી સિરિયલોમાં સાસુ–વહુનાડ્રામા જોતા હોઈએ છીએ, પણ અહીં તો રાજનીતિના મેદાનમાં સાસુ અને વહુ આમને–સામને આવી ગયા છે. એક તરફ અનુભવી સાસુ છે, તો બીજી તરફ શિક્ષિત અને ઉત્સાહી વહુ છે.

ડાંગના સુબીર તાલુકામાં રાજકીય ગરમી સાતમા આસમાને છે. અહીં ખાસ કરીને સુબીર તાલુકાની બેઠક પરકોંગ્રેસ પક્ષે સાસુ પર ભરોસો મૂક્યો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની જ વહુને ટિકિટ આપીને ચૂંટણીજંગને રસપ્રદ બનાવી દીધો છે.
જનતા પરિવર્તન ઈચ્છે છે
સંબંધોમાં જે સાસુ–વહુ હવે મતદારોના ઉંબરે જઈને એકબીજા વિરુદ્ધ મત માંગીરહ્યા છે. બન્ને લોકોએ જીત માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે, ગામે ગામ જઈને સભાઓ કરવી અને ઘરેઘરે જઈને મત માંગવા માટે પક્ષના કાર્યકર્તાઓ સાથે ફરતા દેખાય છે.
કહેવામાં સુબીરની આ બેઠક રાજ્યના આદિવાસી જિલ્લાની છેવાડાની બેઠક છે જો કે હાલ સાસુ વહુની આવૈચારિક લડાઈ હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાના સ્થાને છે. કોંગ્રેસ તરફે સાસુનું કહેવું છે કે રાજકારણ પોતાનીજગ્યાએ છે અને પરિવાર પોતાની જગ્યાએ. પક્ષે મારા પર વિશ્વાસ મૂક્યો છે એટલે હું ચૂંટણી લડી રહી છું. પ્રજાજાણે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોઈ વિકાસના કામ નથી થયા એટલે હવે લોકો કોંગ્રેસને મત આપશે.
જ્યારે બીજી તરફ વહુ પણ આત્મવિશ્વાસ સાથે કહી રહી છે કે વિકાસની રાજનીતિમાં હું ભાજપ સાથે જોડાઈછું. સાસુ પ્રત્યે આદર છે, પણ વિચારધારાની લડાઈમાં હું મક્કમ છું. જનતા પરિવર્તન ઈચ્છે છે.
પરિવારના બે સભ્યોની લડાઈમાં હવે જોવાનું એ રહેશે કે સુબીરની જનતા સાસુને આશીર્વાદ આપે છે કે‘આધુનિક વહુ‘ના કમળને ખીલાવે છે. ભલે જીત ગમે તેની થાય, પણ ડાંગની આ બેઠક પરનો જંગ લોકશાહીનાઇતિહાસમાં યાદગાર બની રહેશે.