Last Updated on by Sampurna Samachar
પોલીસે વિદ્યાર્નીને છોડાવી હોસ્પિટલમાં દાખલ કરી
ઉત્તર પ્રદેશના મહોબાની ધ્રૂજાવી મૂકે એવી ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મહોબામાં વિદ્યાર્થિનીનું અપહરણ કરી ૧૬ દિવસ સુધી તેની સાથે જે હેવાનિયત આચરવામાં આવી તે સાંભળીને રૂંવાડા ઊભા થઈ જશે. કોચિંગથી ઘરે પરત ફરતી વખતે કેટલાક લુખ્ખાઓએ તેનું અપહરણ કર્યું હતું. તેના પર ગેંગરેપ કર્યો અને નશાના ઇન્જેક્શન આપ્યા.

જ્યારે આટલાથી નરાધમોને સંતોષ ન થયો તો હેવાનિયતની તમામ હદો પાર કરતા સળગતી સિગારેટના ડામ દીધા. ધ્રૂજાવી મૂકે એવી આ ઘટના મહોબાની છે. યુવતીને ૧૬ દિવસ સુધી નરકને પણ સારું કહેડાવે એવી પીડા સહન કરવી પડી. ૧૬ દિવસ પછી પોલીસે તેને છોડાવી અને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરી.
ન્યાય અને દોષિતો માટે ફાંસીની માંગ
વિદ્યાર્થિની મધ્ય પ્રદેશની રહેવાસી છે. તે મહોબા શહેરમાં રહીને નીટની તૈયારી કરી રહી હતી. ૩૦ એપ્રિલે જ્યારે તે કોચિંગથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે કારમાં સવાર દબંગોએ તેનું જબરદસ્તી અપહરણ કરી લીધું. પોલીસે ૧૬ દિવસ બાદ જ્યારે તેને દબંગોની કેદમાંથી આઝાદ કરી તો તેણે રૂંવાડા ઊભા કરી દે એવી આપવીતી સંભળાવી. પોલીસ ઇન્ચાર્જ મનિષ પાંડેયે જણાવ્યું કે, પીડિતાની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે. તપાસના પુરાવા અને પીડિતાના નિવેદન પર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તેના જ ગામના મોહિત શ્રીવાસે પોતાના સાથી અંકિત અને હલ્લૂ રાજપૂત સહિત આશરે ૬ થી ૭ લોકોએ સાથે મળીને તેને ૧૬ દિવસ સુધી પ્રયાગરાજમાં બંધક બનાવીને રાખી. તેને દર બે કલાકે નશાના ઇન્જેક્શન આપવામાં આવ્યાં અને તેની સાથે દુષ્કર્મ પણ કરવામાં આવ્યું. વિરોધ કરવા પર હેવાનોએ તેને સિગરેટના ડામ આપ્યા અને ચાકુથી ઈજા પહોંચાડી.
પીડિતાએ જણાવ્યું કે નરાધમોએ તેના ભાઈનો ફોટો બતાવીને મારી નાખવાની ધમકી આપી અને આરોપી મોહિત સાથે તેના જબરદસ્તી લગ્ન કરાવ્યાં. પીડિતા હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે ન્યાય અને દોષિતો માટે ફાંસીની માગ કરી રહી છે. આ હચમચાવી નાખતી ઘટના સામે આવ્યાં પછી વિસ્તારમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પીડિતા પોતાની સાથે થયેલી હેવાનિયતને યાદ કરતા જ ધ્રૂજી ઉઠે છે.