Last Updated on by Sampurna Samachar
કલોલના મોટી ભોંયણ ગામે વીજળી પડતાં ૬૩ પશુના મોત
વૃક્ષ પર અચાનક ભારે કડાકા સાથે આકાશી વીજળી ત્રાટકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં મેઘરાજાની સવારી વચ્ચે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો.વાત કરીએ તો આ વરસાદ કલોલ તાલુકાના એક પશુપાલક પરિવાર માટે માતમ લઈને આવ્યો. ગાંધીનગરના કલોલ તાલુકાના મોટી ભોંયણ ગામે વરસાદ દરમિયાન આકાશી વીજળી ત્રાટકતાં એકસાથે ૬૩ પશુઓના કરુણ મોત નીપજ્યા છે. આ આકસ્મિક આફતને પગલે સ્થાનિક પશુપાલક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મળતી માહિતી મુજબ, કલોલ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા શરૂ થતાં પશુપાલકે પોતાના પશુઓને સુરક્ષિત રાખવા માટે ગામમાં આવેલા એક મોટા વૃક્ષ નીચે બાંધ્યા હતા. જોકે, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. વરસાદ દરમિયાન આ જ વૃક્ષ પર અચાનક ભારે કડાકા સાથે આકાશી વીજળી ત્રાટકી હતી.
નુકસાની બદલ સરકાર તરફથી પરિવારને વળતર આપવા માંગ
વૃક્ષ પર વીજળી પડતાં જ તેની નીચે આશરો લઈ રહેલા અબોલ પશુઓ કાળનો કોળિયો બની ગયા હતા. આ દુર્ઘટનામાં સ્થળ પર જ ૬૨ બકરીઓ અને એક ગાય સહિત કુલ ૬૩ પશુઓના મોત નીપજ્યા હતા.
એકસાથે આટલી મોટી સંખ્યામાં અબોલ જીવોના મોત થતાં સમગ્ર મોટી ભોંયણ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જે પશુઓના સહારે આખો પરિવાર ગુજરાન ચલાવતો હતો, તે તમામ પશુઓ એક જ ઝાટકે મોતના મોંમાં ધકેલાઈ જતાં પશુપાલક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે પરિવારનો રોઈ-રોઈને ખરાબ હાલ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાચાર બનેલા પશુપાલક પરિવારને સાંત્વના આપી હતી. આ નુકસાની બદલ સરકાર તરફથી પરિવારને તાત્કાલિક યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.