Last Updated on by Sampurna Samachar
સાબુ બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાના મામલાને લઇ ખુલાસો
ફેક્ટરી પાસે ફાયર NOC પણ નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં TRP અગ્નિકાંડના પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો ત્યારે ફરી એકવાર ભયાનક આગ લાગી હતી. શહેરના કુવાવડા રોડ પર નવાગામ (આણંદપર) ખાતે રાજારામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવેલીયાપરા વિસ્તારમાં સાબુ બનાવતી ફેક્ટરીમાં જ્વલંતશીલ પદાર્થ સ્ટોર કરતાં કારખાના જે. કે. કોટેજમાં આગ લાગી હતી. જેમાં હવે મોટો ખુલાસો થયો છે. આ ફેક્ટરી છેલ્લાં અનેક વર્ષોથી RUDA અને GPCB મંજૂરી વિના ધમધમી રહી હતી.
મળતી માહિતી મુજબ, જે. કે. કોટેજ ફેક્ટરી છેલ્લાં અનેક વર્ષોથી RUDA (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી) ની મંજૂરી વિના ધમધમી રહી હતી. ફેક્ટરીના માલિક દ્વારા GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) ની પણ મંજૂરી લેવામાં આવી ન હતી. આ સિવાય ફેક્ટરી પાસે ફાયર NOC પણ ન હતું. તેમ છતાં અનેક વર્ષોથી તંત્રની બેદરકારીના કારણે આ ફેક્ટરી ધમધમી રહી છે. હજુ તંત્ર આગકાંડના પીડિતોને ન્યાય નથી અપાવી શક્યું ત્યાં ફરી એકવાર તંત્રની મોટી બેદરકારી સામે આવી છે.
આગ લાગવાનુ કારણ સામે આવ્યુ નથી
આ મામલે ફેક્ટરીના માલિકે જણાવ્યું કે, જ્યારે બિલ્ડિંગ બનાવવામાં આવી ત્યારે અમને RUDA અને GPCB ની મંજૂરી લેવી પડશે કે કેમ તે વિશે કોઈ માહિતી નહતી. તંત્ર દ્વારા અમને કોઈ નોટિસ અપાઈ નથી. આ મામલે કુવાવડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળ તપાસ હાથ ધરી હતી.
ત્યારે હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે ફેક્ટરી માલિકની બેદરકારી અંગે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે, ક્યાં સુધી તંત્ર કોઈ મોટી દુર્ઘટના ન થાય ત્યાં સુધી ઊંઘતી રહેશે? ડીસામાં પણ આ જ પ્રકારે ગેરકાયદે ફેક્ટરીના કારણે ૨૧ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક પરિવારોનો માળો વિખેરાઈ ગયો છે. ત્યારે હજું ક્યાં સુધી તંત્ર આવી મોતનો તમાશો જોતી રહેશે?