Last Updated on by Sampurna Samachar
અકસ્માત મામલે તપાસ હાથ ધરાઇ
૩ મહિલાઓ અને ૩ પુરૂષોનો સમાવેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર બે બસો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અને ત્યારબાદ લાગેલી ભીષણ આગના કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઉવા અને માણેકપોર ગામ વચ્ચે ગુજરાત સરકારી બસ પલટી મારી જતાં આગ ફાટી નીકળતાં ૭ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ તમામ મૃતકોના શરીરો સળગી જવાથી ઓળખ કરવી મુશ્કેલ હતી, જેથી DNA મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરી ઓળખ કરવામાં આવતા ૭ માંથી ૬ મૃતકોની સફળતાપૂર્વક ઓળખ કરી લેવામાં આવી છે.

પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન તરફથી મળતી માહિતી અનુસાર, જેઓની ઓળખ થઈ છે, તે તમામ ૬ લોકો પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેમાં ૩ મહિલાઓ અને ૩ પુરૂષોનો સમાવેશ થાય છે. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા મૃતદેહોના સંબંધીઓ સાથે DNA સેમ્પલ મેચ કરીને આ ઓળખ વિધિ પૂરી કરવામાં આવી છે.
૭ લોકો પૈકી હજુ ૧ મૃતકની ઓળખ બાકી
અકસ્માતમાં જીવ ગુમાવનાર ૭ લોકો પૈકી હજુ ૧ મૃતકની ઓળખ થઈ શકી નથી. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય શંકાસ્પદ સંબંધીઓના પણ DNA સેમ્પલ લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આ છેલ્લા મૃતકની ઓળખ પણ સ્પષ્ટ થઈ જશે.
બીજી તરફ, અકસ્માત કઈ રીતે સર્જાયો અને બસ પલટી ખાધા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું, તેની વૈજ્ઞાનિક તપાસ કરવા માટે FSL ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. FSL ની ટીમ દ્વારા સ્થળ પરથી જરૂરી પુરાવા અને સેમ્પલ એકત્રિત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.