Last Updated on by Sampurna Samachar
પ્રાંતિજના વદરાડ નજીક કાર અને મોપેડ વચ્ચે ભયાનક ટક્કર
ગોઝારા અકસ્માતના CCTV ફૂટેજ હવે સામે આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામ નજીક હાઈવે પર કાળજું કંપાવી દેનારો એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડ પરથી પસાર થઈ રહેલા એક મોપેડ સવાર યુવકને પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક હંકારાઈને આવતી એક કારે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.

વાત કરીએ તો ગોઝારા અકસ્માતના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. CCTV માં જોઈ શકાય છે કે મોપેડ સવાર યુવક પોતાના રસ્તે જઈ રહ્યો હતો ત્યારે જ સામેથી ધસમસતી આવેલી કારે તેને અડફેટે લીધો હતો. કારની સ્પીડ એટલી વધારે હતી કે ટક્કર વાગતાની સાથે જ મોપેડના ફુરચા ઉડી ગયા હતા અને યુવક હવામાં કેટલાય ફૂટ ઊંચો ઉછળીને રોડ પર પટકાયો હતો. જ્યાં ગંભીર રીતે લોહીલુહાણ થયેલા યુવકે તડપી-તડપીને ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ આદરી
અકસ્માતની જાણ થતાં જ સ્થાનીય લોકો અને રાહદારીઓ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા, ઘટનાની માહિતી મળતા જ પ્રાંતિજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક યુવકના શબને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અને તેના પરિવારજનોને આ અંગેની જાણ કરી હતી. ત્યારે પોલીસે ઘટનાસ્થળની આસપાસથી CCTV ફૂટેજ મેળવી તેના આધારે ગુનો નોંધીને અકસ્માત સર્જનાર કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.