Last Updated on by Sampurna Samachar
CM નુ વિમાન દુર્ઘટનાનો શિકાર થતાં રહી ગયો
બંને પાયલટ સામે કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના વિમાનના ખોટા લેન્ડિંગનો એક કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે મુખ્યમંત્રી દિલ્હીથી ફાલૌદી જવા માટે ફાલ્કન-૨૦૦૦ ચાર્ટર વિમાનમાં રવાના થયું હતું. આ વિમાનને ફાલૌદી એરફોર્સ સ્ટેશન પર ઉતરવાનું હતું, પરંતુ ભૂલથી તે શહેરની સિવિલ એરસ્ટ્રિપ પર ઉતરી ગયું.

પાયલટોને પોતાની ભૂલનો અહેસાસ થતાં જ, તેણે તરત વિમાનને ફરીથી ઉડાડ્યું અને લગભગ ૫ કિલોમીટર દૂર આવેલા ફાલૌદી વાયુસેના સ્ટેશન પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. આ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને બંને પાયલટને ફ્લાઇટ ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના વિમાનના ખોટા લેન્ડિંગ પાછળનું કારણ બંને એરસ્ટ્રિપ્સની સમાનતા હોવાનું સામે આવ્યું છે.
સુરક્ષા અને કાયદાકીય સમસ્યાઓ ઊભી થઈ શકે
હકીકતમાં, ફાલૌદી એરફોર્સ સ્ટેશન અને સિવિલ એરસ્ટ્રિપની રનવેની દિશા, દ્રશ્ય લાક્ષણિકતાઓ અને ભૌગોલિક સ્થિતિ ઘણી મળતી આવે છે, જેના કારણે પાયલટને ગેરસમજ થઈ અને વિમાન ખોટી એરસ્ટ્રિપ પર ઉતરી ગયું. આ ઘટના બાદ ચાર્ટર કંપનીએ પોતે DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)ને આ ખોટા લેન્ડિંગનો અહેવાલ આપ્યો, જેના પછી DGCA એ તપાસ શરૂ કરીને બંને પાયલટ સામે કાર્યવાહી કરી છે.
DGCA ના સૂત્રો અનુસાર, આ મામલામાં સુરક્ષા અને કાયદાકીય સંકટ ઊભું થવાની સંભાવના હતી, કારણ કે ઉડાન પહેલાં પાયલટને બંને એરફીલ્ડની માહિતી યોગ્ય રીતે આપવામાં આવી ન હતી. જો કોઈ વિમાન ભૂલથી સૈન્ય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે, તો તેનાથી ગંભીર સુરક્ષા અને કાયદાકીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.