Last Updated on by Sampurna Samachar
ભાજપના આંતરિક વિખવાદનો ભોગ બની મહુવાની જનતા
આગ છેક પ્રદેશ ભાજપના કાન સુધી પહોંચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
શિસ્તબદ્ધ પાર્ટીમાં શિસ્તતાના ચીંથરા ઉડી રહ્યાં છે. હવે નાનકડા ગામોમાં પણ ભાજપમાં આંતરિક કકળાટ છાપરે ચઢીને પોકારી રહ્યા છે. સબ સલામતના દાવા કરતા ભાજપમાં હવે કંઈ સલામત નથી તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. હવે મહુવા ભાજપમાં રાજકારણ ઘર ફુટે ઘર જાય તેવી સ્થિતિ બનીને સળગી રહ્યું છે. સરવાળે નાગરિકો આ બધાનો ભોગ બની રહ્યો છે.
એક તરફ ભાજપશાસિત નગરપાલિકાઓમાં અંધેર વહીવટ છવાઈ રહ્યો છે. તો બીજી તરફ, ભાજપમાં આંતરિક જુથવાદ અટકી નથી રહ્યો. મહુવા ભાજપમાં મોટો ભડકો થયો છે. મહુવા નગરપાલિકામાં આંતરિક જુથવાદને કારણે બજેટ પાસ ન થયું. ત્યારે મહુવા નગરપાલિકામાં જોવા મળેલા આ આંતરિક કકળાટની આગ છેક પ્રદેશ ભાજપના કાન સુધી પહોંચી ગઈ છે.
શહેરનો વિકાસ અટકી પડ્યો
મહુવા નગરપાલિકામાં સામાન્ય સભામાં બજેટ પાસ કરવાની પ્રોસેસ ચાલી રહી હતી ત્યારે ભાજપના ૨૫ માંથી ૮ સભ્ય અને કોંગ્રેસના ૧ સભ્ય મળી કુલ ૧૯ સભ્યએ બજેટની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. જ્યારે ભાજપના સાત અને સમાજવાદી પાર્ટીના પાંચ મળી ૧૨ સભ્યએ સમર્થનમાં વોટ આપ્યો હતો. આમ, સાધારણ સભા શરૂઆતથી જ તોફાની બની હતી અને ભાજપનો વિહીપ વાચવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
અસંતુષ્ટ સભ્યોએ એજન્ડા મુજબ કાર્યવાહી થતી ન હોવાનો બળાપો ઠાલવ્યો હતો. તો કેટલાક ભાજપના વર્તમાન પ્રમુખ સામેનો વિરોધ હોવાનું કારણ જણાવ્યું. મહુવા નગરપાલિકાના પ્રમુખની વરણી થઈ ત્યારથી ભાજપના નગરસેવકોમાં જૂથવાદ શરૂ થઈ ગયો હતો. ભાજપના આંતરિક વિખવાદનો ભોગ મહુવાની જનતા બને છે અને શહેરનો વિકાસ અટકી જતાં શાસકોથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. જનતાના ચૂંટાયાલે પ્રતિનિધિઓ આંતરિક ડખામાંથી જ ઉંચા નથી આવતા. તેઓને પ્રજા માટે કામ કરવાનો સમય નથી મળતો. જેથી મહુવામાં વિકાસ અભરાઈએ ચઢી ગયો છે.