Last Updated on by Sampurna Samachar
૧૦,૫૯૩ કરોડનું બજેટ જાહેર કર્યું
૮ ફલાયઓવર બ્રીજ, ૨ રેલવે ઓવર બ્રીજ, ૨ રીવર બ્રિજ અને ૭ ખાડી બ્રિજનું આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત મ્યુનિ. કમિશ્નર તરીકે થોડા દિવસ પહેલાં જ નિયુક્ત થયેલા એમ. નાગરાજને પાલિકાના સાયન્સ સેન્ટર ખાતે તેમનું પહેલું બજેટ રજુ કર્યું હતું. સુરત પાલિકાનું ડ્રાફ્ટ બજેટ ગત વર્ષની જેમ ૧૦ હજાર કરોડને પાર કરી ગયું છે.

આ વર્ષે જાહેર થયેલા ડ્રાફ્ટ બજેટ ૧૦, ૫૯૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું તેમાં ૫૦૭૩ કરોડ કેપિટલ કામો રજૂ કરવામાં આવ્યા છે. આગામી વર્ષ સુરત પાલિકાની ચૂંટણીનું હોય સુરતીઓ પર કોઈ જાતના વેરા વધારવામાં આવ્યા નથી. આ બજેટમાં ૮ ફલાયઓવર બ્રીજ, ૨ રેલવે ઓવર બ્રીજ, ૨ રીવર બ્રિજ અને ૭ ખાડી બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા પર ભાર મૂક્યો
પાલિકામાં નવ નિયુક્ત થયેલા મ્યુનિ. કમિશ્નર એમ નાગરાજને તેમનું પહેલું બજેટ રજૂ કર્યું છે તે પણ પાલિકાના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. ગત વર્ષે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે ૯૬૦૩ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં ૯૯૦ કરોડના વધારા સાથે ૧૦૫૯૩ કરોડનું બજેટ જાહેર કર્યું છે. ગત વર્ષે ડ્રાફ્ટ બજેટમાં કેપીટલ કામ માટે ૪૫૬૨ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં પણ મ્યુનિ. કમિશ્નરે ૫૧૧ કરોડનો વધારો કર્યો છે અને ડ્રાફ્ટ બજેટમાં કેપીટલ કામ માટે ૫૦૭૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આગામી ગણતરીના મહિનામાં સુરત પાલિકાની ચૂંટણી છે તેની ઈફેક્ટ સીધી બજેટ પર જોવા મળી રહી છે. મ્યુનિ. કમિશ્નરે પણ આ બજેટમાં કર દરમાં કોઈ વધારો સુચવ્યો નથી. અને ૨૫૭ કરોડની રેવન્યુ સરપ્લસ ધરાવતું આ બજેટ રજુ કર્યું છે.
બજેટ રજુ કરતા એમ. નાગરાજને જણાવ્યું હતું કે, સુરત શહેરને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા પર તેઓએ ભાર મુકતા વિવિધ તબક્કા વાર આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સુરતને સ્લમ ફ્રી સિટી, ડસ્ટ ફ્રી સીટીની સાથે-સાથે ચાઈલ્ડ અને વુમન ફ્રેન્ડલી સિટી બનાવવા માટે કામગીરી કરવામાં આવશે.
આ ઉપરાંત સુરતને વિવિધ પ્રકારના ટુરિઝમ સાથે સાંકળીને ટુરીઝમ સીટી બનાવવા માટે પણ આયોજન કરાયું છે જેમાં શન ટુરીઝમ, ઈન્ડસ્ટ્રી ટુરિઝમ અને ટ્રેડ-એડવેન્ચર ટુરીઝમ તકીતે સુરત જાણીતું બનશે અને સખી મંડળની બહેનોને ટુરિઝમ ગાઈડ બની શકે તે માટે તેમને તાલીમ પણ આપવામાં આવશે. બેરેજ પ્રોજેક્ટ માટે ગત વર્ષે ૧૫૦ કરોડ રૂપિયા ખર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આગામી વર્ષ ૨૦૨૬-૨૭નાં ડ્રાફ્ટ બજેટ માં ૩૫૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
સુરત મહાનગર પાલિકાની કુલ એનર્જી જરૂરિયાત સામે ૧૦૦ ટકા રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક પુર્ણ કરવા માટે અને વીજ બચત માટે ૨૦૩૦ સુધીના રોડ મેપ સાકાર થાય તે માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. શહેરની ટ્રાફિક સમસ્યામાં ઘટાડો કરવા માટે આ બજેટમાં ૮ ફલાયઓવર બ્રીજ, ૨ રેલવે ઓવર બ્રીજ, ૨ રીવર બ્રિજ અને ૭ ખાડી બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે સાથે સુરતમાં આવતા ખાડી પૂરથી લોકોને બચાવવા માટે ૬૧ કોડની જાેગવાઈ કરવામાં આવી છે અને તેના માટે ૬૧ કરોડ રૂપિયાના ખર્ચે ખાડીના રીમોડલીંગ અને રિસ્ટ્રક્ચરીંગનાં કામ માટે બજેટમાં જાેગવાઈ કરવામાં આવી છે.