Last Updated on by Sampurna Samachar
વાગરા પોલીસની સતર્કતાથી મોટો અકસ્માત ટળ્યો
GFL કંપની, અનમોલ એગ્રો કંપની અને ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચ જિલ્લાના વાગરામાં પોલીસની સતર્કતાને કારણે એક મોટી પર્યાવરણીય હોનારત અને અકસ્માત ટળ્યો હોવાના સમાચાર છે. વાગરા પોલીસે માર્ગ પરથી પસાર થતા ઝેરી કેમિકલ વેસ્ટથી ભરેલા એક એવા ટેન્કરને ઝડપી પાડ્યું છે, જેનો વાલ્વ ખુલ્લો હતો અને તેમાંથી સતત કેમિકલ લીક થઈ રહ્યું હતું.

આ જોખમી ટેન્કરમાંથી નીકળતી તીવ્ર દુર્ગંધ અને લીકેજ પર પેટ્રોલિંગમાં રહેલા એક જાંબાઝ પોલીસકર્મીની નજર પડતા જ તેને તાત્કાલિક અટકાવવામાં આવ્યું હતું. આ મામલે વાગરા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધાયો
મળતી વિગતો અનુસાર, આ કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ભરૂચના દહેજ ફેઝ-૧ માં GFL કંપનીમાંથી ભરવામાં આવ્યું હતું. ત્યાંથી આ ઝેરી વેસ્ટ કેમિકલ પ્રોસેસિંગ માટે જોટાણા ખાતે આવેલી અનમોલ એગ્રો કંપની તરફ રવાના કરવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટેશન દરમિયાન બેદરકારી દાખવીને ટેન્કરનો વાલ્વ પ્રોપર બંધ કરવામાં આવ્યો ન હતો, જેના કારણે રસ્તા પર કેમિકલ ઢોળાઈ રહ્યું હતું અને હવામાં તીવ્ર કેમિકલ યુક્ત વાયુ પ્રસરી રહ્યો હતો.

જો આ ટેન્કર વસ્તીવાળા વિસ્તારમાંથી પસાર થયું હોત અથવા કોઈ અકસ્માત સર્જાયો હોત તો મોટી દુર્ઘટના ઘટી શકી હોત. સદનસીબે, સમયસર પોલીસકર્મીની તીક્ષ્ણ નજર પડતા ટેન્કરને જપ્ત કરી લેવાયું છે. વાગરા પોલીસે આ મામલે GFL કંપની, અનમોલ એગ્રો કંપની અને ટેન્કર ચાલક વિરુદ્ધ પર્યાવરણના નિયમોના ભંગ તેમજ માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ એક્શનમાં આવે તેવી સંભાવના છે.