Last Updated on by Sampurna Samachar
કામરેજમાં પોલીસે અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું
ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના કામરેજ વિસ્તારમાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરનારાઓ સામે પોલીસે અને તંત્રએ લાલ આંખ કરી છે. વાત કરીએ તો કામરેજના નવાગામ ખાતે આવેલી શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પોલીસે અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન ઔદ્યોગિક વસાહતમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી અને ભેળસેળની આશંકાવાળો કાચો માલ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ઔદ્યોગિક એકમમાં સર્ચ ઓપરેશન દરમિયાન કામરેજ પોલીસને સ્થળ પરથી આશરે ૧૦૩ કિલો જેટલું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. આ સિવાય ઘી બનાવવામાં વપરાતી ૧૧૨ કિલો જેટલી મલાઈનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં શંકાસ્પદ જથ્થો મળી આવતા પોલીસે તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સત્તાવાર રિપોર્ટ બાકી
આ મામલે કામરેજ પોલીસ દ્વારા તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને શંકાસ્પદ ઘી તેમજ મલાઈના સેમ્પલ લઈને તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ આ ઘી નકલી હતું કે કેમ તે અંગેની સચોટ હકીકત અને મોટા ખુલાસા સામે આવશે.