Last Updated on by Sampurna Samachar
પાલિકાએ સેમ્પલ લીધા પાણીપુરીનો નાશ કરતા થયો હોબાળો
ઝુંપડપટ્ટીમાં દરોડા પાડી કાર્યવાહી કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત પાલિકા દ્વારા સતત બીજા દિવસે ગંદકીવાળી જગ્યાએ બનતી પાણીપુરી સામે કાર્યવાહી કરવામા આવી છે. ત્યારે પાંડેસરામાં દરોડા દરમિયાન કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો હતો. પાલિકા સેમ્પલ લીધા વિના પાણીપુરીનો નાશ કરે છે. આ ઉપરાંત નજીક દારુના અડ્ડા ચાલે છે. ત્યાં દરોડા પાડતા નથી અને પાણીપુરીવાળાને ત્યાં દરોડા પાડવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સુરત પાલિકાએ સતત બીજા દિવસે પાણીપુરીવાળાને ત્યાં દરોડા પાડી ગંદકીમાં બનતી અખાદ્ય પાણીપુરી જપ્ત કરવા સાથે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. પાંડેસરા વિસ્તારમાં ગંદકીથી ખદબદતી ઝુંપડપટ્ટીમાં દરોડાની કામગીરી શરૂ થઈ અને અખાદ્ય પાણીપુરીનો નાશ કરાયો ત્યારે કેટલાક પાણીપુરી બનાવવાવાળા ભેગા થઈ ગયા હતા.
અખાદ્ય પાણીપુરીનો જથ્થો નાશ કર્યો
પાલિકાની કામગીરી પર આક્ષેપ કરતા કહ્યું હતું કે કોઈ સેમ્પલ લેવામાં આવતા નથી અને પાણીપુરીનો નાશ કરવામાં આવી રહ્યો છે. જોકે, પાલિકા તંત્રએ સેમ્પલ લેવા સાથે અખાદ્ય હોય તેવા પદાર્થનો નાશ કરવામા આવે છે તેવું કહ્યું છે.
આજે દરોડા દરમિયાન પાણીપુરીવાળાઓએ હોબાળો મચાવ્યો હતો અને આક્ષેપ કરતા કહ્યું હતું કે, નજીકમાં દારૂના અડ્ડા ચાલી રહ્યાં છે તે તંત્રને દેખાતા નથી અને અમે પાણી પુરી બનાવીએ છીએ ત્યાં દરોડા પાડવામાં આવે છે. જોકે આવા આક્ષેપ છતાં પણ પાલિકાએ દરોડાની કામગીરી ચાલુ રાખી અને અખાદ્ય પાણીપુરીનો જથ્થો નાશ કર્યો હતો.