Last Updated on by Sampurna Samachar
પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી અરજીઓની સુનાવણી
સ્પાયવેરનો ઉપયોગ વિરોધી તત્વો સામે કરવો તે ખોટુ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પેગાસસ સ્પાયવેર દ્વારા જાસૂસી સાથે જોડાયેલા મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે જો સ્પાયવેરનો ઉપયોગ થઈ રહ્યો છે તો તેમાં ખોટું શું છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વના મુદ્દે પેગાસસનો કોઈ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવશે નહીં.
બાર અને બેંચના રિપોર્ટ અનુસાર, આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, “આપણે એક વાત સ્પષ્ટ કરીએ કે સ્પાયવેર રાખવામાં કોઈ સમસ્યા નથી. અમે રાષ્ટ્રની સુરક્ષા સાથે સમાધાન કરી શકીએ નહીં. હા, પ્રશ્ન એ હોઈ શકે છે કે તેનો ઉપયોગ કોની વિરુદ્ધ થઈ રહ્યો છે. જો તેનો ઉપયોગ નાગરિક સમાજના વ્યક્તિ વિરુદ્ધ થઈ રહ્યો છે, તો આ મામલાને ધ્યાનમાં લેવામાં આવશે.”
આ સમયે દરેક વ્યક્તિએ સાવધાન રહેવું જરૂરી
જસ્ટિસ સૂર્યકાન્ત અને એન કોટીશ્વર સિંહની ડિવિઝન બેંચ ભારત સરકાર દ્વારા પત્રકારો, ન્યાયાધીશો, કાર્યકર્તાઓ અને અન્યોની જાસૂસી કરવા માટે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી અરજીઓની સુનાવણી કરી રહી હતી.
દેશમાં ચાલી રહેલી સુરક્ષાની સ્થિતિનો ઉલ્લેખ કરતા કોર્ટે ટિપ્પણી કરી હતી કે આ સમયે દરેક વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ. જ્યારે એક વકીલે દલીલ કરી કે જો સ્પાયવેર ખરીદવામાં આવ્યું હોય તો તેનો ઉપયોગ કરતા સરકારને કોઈ રોકી શકાતી નથી, કોર્ટે કહ્યું, “જો દેશ તે સ્પાયવેરનો ઉપયોગ વિરોધી તત્વો સામે કરી રહ્યો હોય તો તેમાં ખોટું શું છે ? સ્પાયવેર હોય તેમાં કંઈ ખોટું નથી. અમે દેશની સુરક્ષા સાથે બાંધછોડ અને બલિદાન આપી શકીએ નહીં.”
અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે હવે કોર્ટ પાસે પુરાવા અને વોટ્સએપ પુરાવા છે. સિબ્બલે કહ્યું કે સમિતિનો સંશોધિત રિપોર્ટ ઓછામાં ઓછો અરજદારોને આપી શકાય. જોકે, કોર્ટે કહ્યું, “તે એક ઉદ્દેશ્યપૂર્ણ પ્રશ્ન જવાબનો પ્રકાર હોઈ શકે છે. તમે પૂછી શકો છો કે હું ત્યાં છું કે નહીં. અમે હા કે નામાં જવાબ આપી શકીએ છીએ.”
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ પેન્ડિંગ છે. આમાં પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ ભારત સરકાર દ્વારા તેમના મોબાઈલ ફોન જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોને સંક્રમિત કરીને તેમની જાસૂસી કરવા માટે કરવામાં આવ્યો હોવાના આરોપની તપાસની માંગણીઓનો સમાવેશ થાય છે.