Last Updated on by Sampurna Samachar
મેચમાં કેપ્ટન જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
કેપ્ટન શ્રેયસ ઐય્યરે ટીમને અહીં પહોંચાડવા ખૂબ મહેનત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૫ માં પંજાબ કિંગ્સે પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને IPL પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જેના માટે કેપ્ટન શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ટીમને આ સ્થાન સુધી પહોંચાડવા ખૂબ જ મહેનત કરી છે. પરંતુ આ મામલે સુનીલ ગાવસ્કરે ગૌતમ ગંભીર પર નિશાન સાધ્યું છે.
સુનીલ ગાવસ્કરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે શ્રેયસ ઐયરને ગયા સિઝનમાં IPL ટાઇટલ જીતવાનો શ્રેય મળ્યો ન હતો. બધો શ્રેય બીજા કોઈને આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે મેચમાં કેપ્ટન જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડગઆઉટમાં બેસીને કોઈ તમને જીતી શકતું નથી.
પંજાબની ટીમ ૧૧ વર્ષમાં પહેલીવાર IPL પ્લેઓફમાં પહોંચી
ગાવસ્કરે કહ્યું, જુઓ આ વર્ષે, ઐયરને બધો શ્રેય મળી રહ્યો છે. કોઈ એવું નથી કહેતું કે રિકી પોન્ટિંગે પંજાબને જીત અપાવી.‘ ગાવસ્કરે કહ્યું કે, ‘ KKR માં શ્રેયસ ઐયરનું શ્રેય છીનવાઈ ગયું. શ્રેયસે ટીમને ચેમ્પિયન બનાવી, પણ બધો શ્રેય ગૌતમ ગંભીરને ગયો. ગૌતમ સીઝનની શરૂઆતમાં KKR માં મેન્ટર તરીકે જોડાયો હતો.
IPL નો ખિતાબ જીત્યા પછી, વાહ વાહ ગૌતમ ગંભીરની થવા લાગી, જ્યારે શ્રેયસ ઐયર તેનો હકદાર હતો.‘ ઉલ્લેખનીય છે કે શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં પંજાબની ટીમ ૧૧ વર્ષમાં પહેલીવાર IPL પ્લેઓફમાં પહોંચી છે. આ સાથે, તે ટુર્નામેન્ટના ઇતિહાસમાં એકમાત્ર કેપ્ટન બની ગયો છે જેણે ત્રણ અલગ અલગ ફ્રેન્ચાઇઝીને IPL પ્લેઓફમાં લઈ જવામાં સફળતા મેળવી છે. IPL ૨૦૨૩ માં, ઐયર પીઠની ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. આ પછી ૨૦૨૪ માં તેણે KKR ની કેપ્ટનશીપ કરી અને તેને ટાઇટલ જીતાવ્યું. પાછલી બે સીઝનમાં, આ ટીમ સાતમા સ્થાને હતી.
આ શાનદાર પ્રદર્શન છતાં, KKR એ શ્રેયસને રિટેન ન કર્યો. આ પછી, મેગા ઓક્શનમાં, પંજાબ કિંગ્સે શ્રેયસને ૨૬.૭૫ કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીધ્યો. IPL પહેલા, ઐયરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યાં તે બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. IPL ની વાત કરીએ તો, શ્રેયસે ૧૨ મેચમાં ૪૩૫ રન બનાવ્યા છે. આમાં ચાર ફિફ્ટીનો પણ સમાવેશ થાય છે.