Last Updated on by Sampurna Samachar
છોટાઉદેપુર પોલીસે સતર્કતા દાખવી
ઓવરલોડ મુસાફરો હેરાફેરી કરનાર તત્વોમાં ફફડાટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંતરિયાળ વિસ્તારમાંથી શ્રમિકો મજુરી અર્થે શહેરમાં આવતા જતા હોય છે. ત્યારે તેઓ વાહનોમાં અવર જવર કરે જ્યાં તેમની મજબુરીનો ફાયદો ઉઠાવી વાહનચાલકો ઓવરલોડ મુસાફરો ભરી જીવ જોખમમાં નાખે છે. ત્યારે આવા વાહનચાલકો સામે છોટાઉદેપુર પોલીસે લાલ આંખ કરી છે. કાયદાના લીરેલીરા ઉડાવીને ઓવરલોડ મુસાફરો ભરીને જતી ૫ ગાડીઓને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના આ આકરા એક્શન બાદ ગેરકાયદેસર અને જોખમી રીતે મુસાફરોની હેરાફેરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર પોલીસને બાતમી મળી હતી કે કેટલાક વાહનચાલકો મુસાફરોના જીવ જોખમમાં મૂકીને ક્ષમતા કરતાં અનેક ગણાં વધુ માણસો ભરીને સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા છે. પોલીસે વોચ ગોઠવીને ૪ મોટી જીપ અને ૧ કાર મળીને કુલ ૫ વાહનોને ઝડપી પાડ્યા હતા.
પાંચેય ઓવરલોડ વાહનોને ડિટેઇન કરી લીધા
જ્યારે પોલીસે આ વાહનોને રોક્યા ત્યારે અંદરનો નજારો ચોંકાવનારો હતો. એક-એક વાહનમાં ૨૫થી ૩૦ જેટલા મુસાફરોને ઠસોઠસ ભરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, વાહનોની છત પર બાઇકો, સામાનના મોટા-મોટા પોટલા અને તેની ઉપર પણ મુસાફરોને બેસાડીને અત્યંત જોખમી રીતે મુસાફરી કરાવવામાં આવી રહી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ તમામ મુસાફરો આદિવાસી વિસ્તારના ગરીબ શ્રમિકો છે, જેમને ખેતમજૂરી અર્થે સૌરાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. વધુ કમાણી કરવાની લાલચમાં વાહનચાલકો શ્રમિકોના જીવને જોખમમાં મૂકી હાઈવે પર મોતની સવારી દોડાવી રહ્યા હતા. કોઈપણ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવા સવાલો પણ આ ઘટના પરથી ઉભા થયા છે.
કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં જ છોટાઉદેપુર પોલીસે સતર્કતા દાખવી આ પાંચેય ઓવરલોડ વાહનોને ડિટેઇન કરી લીધા છે અને ચાલકો સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, હાઈવે પર મુસાફરોના જીવ સાથે રમત રમતા આવા વાહનચાલકો સામે આગામી દિવસોમાં પણ ડ્રાઈવ ચલાવીને કડક પગલાં લેવામાં આવશે.