Last Updated on by Sampurna Samachar
હુમલો કરી ડબ્બામાંથી પશુઓ છોડાવી ગયા હતા
‘એ‘ ડિવિઝન પોલીસે હુમલાખોરોને સકંજામાં લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણમાં રખડતા ઢોરના માલિકોની દાદાગીરી અને કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. પાટણ નગરપાલિકાની ઢોર નિયંત્રણ ટીમ પર હુમલો કરવાના ચકચારી કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે.

નગરપાલિકાના સરકારી કર્મચારીઓ પર હુમલો કરી, સરકારી કામમાં અવરોધ ઊભો કરનાર અને પકડેલા પશુઓને બળજબરીપૂર્વક છોડાવી જનાર હુમલાખોર ઢોરમાલિકોની પાટણ ‘એ‘ ડિવિઝન પોલીસે સત્તાવાર રીતે ધરપકડ કરી લીધી છે. પાલિકા તંત્ર દ્વારા નોંધાવવામાં આવેલી કડક ફરિયાદ બાદ પોલીસે આ એક્શન લીધા છે.
હુમલાખોરોને જેલના સળિયા પાછળ ધકેલાયા
મળતી વિગતો મુજબ, શહેરમાં રખડતા ઢોરના ત્રાસને નાથવા માટે પાટણ નગરપાલિકાની ટીમ નિયમ મુજબ પશુઓને પકડવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન માર્ગો પરથી પકડેલા પશુઓને જ્યારે પાલિકાના ડબ્બામાં પૂરવામાં આવ્યા, ત્યારે ઉશ્કેરાયેલા ઢોરમાલિકો લાકડીઓ અને હથિયારો સાથે ધસી આવ્યા હતા. તેઓએ નગરપાલિકાના ફરજ પરના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી ભારે દાદાગીરી આચરી હતી અને કર્મચારીઓ પર હિંસક હુમલો કરી દીધો હતો.
આટલું જ નહીં, હુમલાખોરો તંત્રને પડકાર ફેંકીને પકડેલા તમામ પશુઓને ડબ્બામાંથી બળજબરીપૂર્વક મુક્ત કરાવીને ભગાડી ગયા હતા. છેલ્લા થોડા સમયથી પાટણ શહેરમાં રખડતા ઢોરના માલિકો દ્વારા પાલિકા કર્મચારીઓ સામે ધોળે દિવસે દાદાગીરી કરી પશુઓને છોડાવી જવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ પ્રકારની વધુ એક શરમજનક ઘટના સામે આવ્યા બાદ નગરપાલિકાના કર્મચારી આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
જોકે, ‘એ‘ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક હુમલાખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.